કૃષિગુજરાત

ખેડૂતો માટે રાહતના સમાચાર: કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવા માટે કોઈ રકમ ચૂકવવી નહીં, સરકારે કરી સ્પષ્ટતા

ગાંધીનગર: રાજ્ય સરકારે તાજેતરમાં જાહેર કરેલા કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવા બાબતે ખેડૂતો પાસેથી પૈસા લેવાતી હોવાની ફરિયાદો બાદ સરકારે આ અંગે સ્પષ્ટતા જાહેર કરી છે. સરકારે માહિતી આપી છે કે આ સહાય પેકેજના ફોર્મ ભરવા માટે ખેડૂતોએ કોઈ પણ રકમ ચૂકવવાની રહેશે નહીં અને આ સંપૂર્ણ પ્રક્રિયા નિઃશુલ્ક રહેશે.

અગાઉ કેટલીક જગ્યાએ એવી ફરિયાદો સામે આવી હતી કે ફોર્મ ભરવાની કામગીરી કરતા ઓપરેટરો દ્વારા ખેડૂતો પાસેથી પૈસા લેવામાં આવી રહ્યા છે. આ ફરિયાદો સરકારના ધ્યાને આવતા, વિકાસ કમિશનરની કચેરી દ્વારા તાત્કાલિક એક પરિપત્ર બહાર પાડીને આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે.

🛑 ઓપરેટરને એક પણ રૂપિયો ન આપવો
વિકાસ કમિશનરની કચેરીએ બહાર પાડેલા પરિપત્રમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, “અરજદારે કોઈપણ ઓપરેટરને એક પણ રૂપિયો ન આપવો. સહાયના ફોર્મ માટેની આખી પ્રક્રિયા નિઃશુલ્ક રહેશે.”

સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે આ સમગ્ર પ્રક્રિયા ખેડૂતોના હિતમાં છે અને તેનો લાભ લેવા માટે કોઈ પણ નાણાં ખર્ચવાની જરૂર નથી. ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ ઓપરેટર ફોર્મ ભરવા બદલ પૈસાની માંગણી કરે, તો તાત્કાલિક તેની જાણ સંબંધિત અધિકારીઓને કરવી.
આ સ્પષ્ટતાથી હવે ખેડૂતો રાહત અનુભવી રહ્યા છે અને તેઓ કોઈ પણ ડર કે નાણાં ખર્ચ્યા વગર સહાય પેકેજ માટેના ફોર્મ ભરી શકશે.

આ સમાચારને શેર કરો