વાંકાનેરના જામસર અને મોરબીના લખધીરપુર રોડ પર ખાણ-ખનિજ વિભાગનો સપાટો

સેન્ડસ્ટોનના બિનઅધિકૃત ખનન-વહન બદલ એક્સકેવેટર અને ડમ્પર જપ્ત; ચાઈના ક્લે ભરેલું બીજું ડમ્પર પણ સીઝ, કુલ વાહનોની કિંમત અંદાજે દોઢ કરોડ રૂપિયા

વાંકાનેર/મોરબી: મોરબી જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનિજના બિનઅધિકૃત વહન સામે ખાણ-ખનિજ વિભાગે કાર્યવાહી તેજ કરી છે. બુધવારે સવારે ભીમગુડા વિસ્તારમાં કાર્યવાહી બાદ વિભાગની ટીમે વાંકાનેરના જામસર અને મોરબીના લખધીરપુર રોડ પર દરોડા તથા ચેકિંગ હાથ ધરી ત્રણ વાહનો જપ્ત કર્યા હતા. જપ્ત કરાયેલા વાહનોની કુલ કિંમત અંદાજે દોઢ કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે.

જામસરમાં સેન્ડસ્ટોનના બિનઅધિકૃત ખનન સામે કાર્યવાહી

મોરબી ખાણ-ખનિજ વિભાગની ટીમ પર હુમલાની ઘટના બાદ ભૂસ્તરશાસ્ત્રી જગદીશ એસ. વાઢેરની સૂચનાથી ટીમે વાંકાનેરના જામસર વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સેન્ડસ્ટોનનું બિનઅધિકૃત ખનન અને વહન થતું હોવાની વિગતોના આધારે કોમાત્સુ કંપનીનું પીળા રંગનું એક્સકેવેટર મશીન અને GJ-13-AT-1280 નંબરનું ડમ્પર કબજે કરવામાં આવ્યું હતું.

આ બંને વાહનોની અંદાજિત કિંમત આશરે રૂ. 1 કરોડ હોવાનું જણાવાયું છે. વાહનમાલિક તરીકે ઓળખાયેલા વાંકાનેર તાલુકાના વિજયભાઈ અશોકભાઈ ચારલા સામે કાર્યવાહી કરીને બંને વાહનોને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં મૂકવામાં આવ્યાં હતાં.

લખધીરપુર રોડ પર ચાઈના ક્લે ભરેલું ડમ્પર સીઝ

બીજી કાર્યવાહી દરમિયાન ખાણ-ખનિજ વિભાગની ટીમે મોરબીના લખધીરપુર રોડ પર ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન ચાઈના ક્લેનું બિનઅધિકૃત વહન થતું હોવાના આધારે GJ-12-BZ-2300 નંબરનું ડમ્પર સીઝ કરવામાં આવ્યું હતું.

આ ડમ્પરની અંદાજિત કિંમત રૂ. 40 લાખ હોવાનું જણાવાયું છે. ડમ્પરના માલિક તરીકે ઓળખાયેલા મોરબીના વિકાસ પાર્ક વિસ્તારમાં રહેતા જગદીશભાઈ સામતભાઈ સોલંકી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જપ્ત કરાયેલું ડમ્પર લખધીરપુર સ્થિત કેવલ સ્ટોન ખાતે કસ્ટડીમાં મૂકવામાં આવ્યું હતું.

ગેરકાયદેસર ખનન વિસ્તારની માપણી કરાશે

ખાણ-ખનિજ વિભાગના જણાવ્યા મુજબ, જામસર વિસ્તારમાં ગેરકાયદેસર ખનન થયેલા વિસ્તારની માપણી કરીને સંબંધિત વ્યક્તિઓ સામે આગળની ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જિલ્લામાં બિનઅધિકૃત ખનન અને ખનિજના વહન સામેની કાર્યવાહીથી આવા પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

આ સમાચાર શેર કરો

Follow Us on