વાંકાનેરના જામસરમાં શાળા પાસે જ ચાલતા અડ્ડાથી ખાખીની આબરૂના લીરા ઉડ્યા
શાળાના બાળકો ભણશે કે દારૂ ગળાતા જોશે? પોલીસ પેટ્રોલિંગના પોકળ દાવાઓ વચ્ચે શિક્ષણધામની મર્યાદા જોખમાઈ
વાંકાનેર તાલુકાના જામસર ગામેથી શિક્ષણ જગતને શરમાવનારી અને પોલીસ તંત્રની કામગીરી પર મસમોટા સવાલો ઉભા કરતી ઘટના સામે આવી છે. ગામની પ્રાથમિક શાળાની બિલકુલ નજીક આવેલી વાડીમાં લાંબા સમયથી ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાતા સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે કે, શું પોલીસને આટલા સમયથી આ પ્રવૃત્તિની જાણ જ નહોતી કે પછી જાણીજોઈને આંખ આડા કાન કરવામાં આવતા હતા?
પોલીસના પેટ્રોલિંગ પર ગંભીર સવાલ
જામસર ચોકડી પાસે જ આવેલી પ્રાથમિક શાળાની પાડોશમાં જ દશરથ ઉર્ફે સવજી લાલજી શીંહોરા નામનો શખ્સ બિન્ધાસ્ત રીતે ભઠ્ઠી ચલાવી રહ્યો હતો. પોલીસે દરોડો પાડીને ૪૧૫ લિટર આથો અને તૈયાર દારૂ તો પકડી પાડ્યો, પરંતુ સવાલ એ છે કે ‘ગાંધીના ગુજરાત’માં અને તે પણ પવિત્ર ગણાતા શિક્ષણધામ પાસે આવા અડ્ડાઓ કેવી રીતે ફૂલેફાલે છે? શું પોલીસનું પેટ્રોલિંગ માત્ર કાગળ પર જ મર્યાદિત છે?
શિક્ષણપ્રેમીઓ અને વાલીઓમાં ઉગ્ર રોષ
શાળામાં શિક્ષણ મેળવવા આવતા નાના બાળકોના માનસ પર આ દૂષિત માહોલની કેવી અસર થતી હશે તેનો જવાબ આપનાર કોઈ નથી. વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે કે શાળા પાસે જ દારૂના ધંધા ચાલતા હોય તો બાળકો કઈ રીતે ભણી શકે? આ ઘટના પોલીસ તંત્રની ઘોર બેદરકારી અને આડકતરી નિષ્ફળતાનો પુરાવો આપી રહી છે.
શું માત્ર એક ધરપકડ પૂરતી છે?
પોલીસે ૧૩,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી સંતોષ માની લીધો છે, પરંતુ મૂળ પ્રશ્ન એ છે કે આવા તત્વોને આટલી હિંમત કોણ પૂરું પાડે છે? જો પોલીસ ખરેખર સજાગ હોય તો શાળા જેવી સંવેદનશીલ જગ્યા પાસે આટલો મોટો અડ્ડો ક્યારેય ધમધમી ન શકે. જનતા પૂછી રહી છે કે પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરશે કે પછી ફરી રાબેતા મુજબ બધું શરૂ થઈ જશે?


