ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન
ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલનું નિધન થયું છે. આજે તેમની તબિયત નાદુરસ્ત થતાં તેમને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં હાર્ટ એટેકને લીધે તેમનું નિધન થયું છે.
કેશુભાઈ પટેલે 92 વર્ષે અંતિમ શ્વાસ લીધા છે. બાપા તરીકે જાણીતા કેશુભાઈનો જન્મ 24 જુલાઈ 1928ના રોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં થયો હતો. કેશુભાઈએ વાંકાનેરમાં મચ્છુ 1 ડેમ બંધાઈ રહ્યો હતો ત્યારે આ ડેમની સાઇટ પર અનાજ દળવાની ઘંટી ચલાવવાથી લઈ મુખ્યમંત્રી પદે પહોંચવા સુધી ખૂબ સંઘર્ષ વેઠ્યો છે. થોડા દિવસ પહેલા એવા કેશુભાઈ પટેલ કોરોના પોઝિટિવ હોવાના સમાચાર મળ્યા હતા. કેટલાક દિવસથી કેશુબાપાની તબિયત નાદુરસ્ત હતી, ત્યારે તેમનો ટેસ્ટ કરાવાતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
8 સપ્ટેમ્બરના રોજ તે કોરોના પૉઝિટિવ હોવાના સમાચાર મળ્યા હતા. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બાપા હોમ ક્વોરન્ટીન થયા હતા. તેના 10 દિવસ બાદ તેમનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો..
ગુજરાતમાં ભાજપનો ભૂતકાળ જોઈએ તો 1980માં ભાજપની સ્થાપના થઈ ત્યારે પ્રથમ પ્રદેશ પ્રમુખ તરીકે કેશુભાઈ પટેલ હતા. જ્યારે ગુજરાતમાં ભાજપ અને જનતા મો૨ચાની મિશ્ર સ૨કા૨માં કેશુભાઈ પટેલને નાયબ મુખ્ય પ્રધાન પદ મળ્યું હતું. બાદમાં 1995માં કેશુભાઈ પટેલ ભાજપ શાસનના પ્રથમ મુખ્ય પ્રધાન બન્યા હતા.