વાંકાનેર: કેરાળામાં દોરા-ધાગાના ધતિંગ કરતા સૈયદ ફિરોજ કાદરીનો પર્દાફાશ કરતી વિજ્ઞાન જાથા….
વાંકાનેર તાલુકાના કેરાળા ગામે ઘરમાં જોવાની પ્રવૃત્તિ કરતો સૈયદ ફિરોજભાઈ એહમદભાઈ કાદરી છેલ્લા દસ વર્ષથી દોરા–ધાગાના ધતિંગ કરનાર બાપુ વિજ્ઞાન જાથાનો ૧૨૬૩ મો સફળ પર્દાફાશ કરાયો છે…
મળેલ માહિતી મુજબ મૂળ અમદાવાદનો વતની કહેવાતો બાપૂ સૈયદ ફિરોજભાઈ એહમદભાઈ કાદરી નામનો શખ્સ વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રહી છેલ્લા ૧૦ વર્ષથી દુઃખ-દર્દ મટાડવાના ધતિંગ કરતો હતો અને ઘરમાં પીરના નામે જોવાની ધતિંગ ચલાવતો હતો. જે આરોપી પતિ-પત્નીના ઝઘડામાં ફોટો પર વિધિ વિધાન કરી, ડાકણ, ચુડેલનો આરોપ મૂકી અંદરો અંદર ઝઘડો કરાવતો હતો. માનસિક બીમારીનો ઉપચાર તેમજ તાવીજ દોરા માટે રૂપિયા ૧૧૦૦ જેવી રકમ પડાવતો હોવાનું વિજ્ઞાન જાથાની ટીમને જાણવા મળ્યું હતું, જેને પગલે ગઈ કાલે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાની ટીમે સ્થળ પર પહોંચી પોલીસને સાથે રાખી ધતિંગનો પર્દાફાશ કર્યો હતો…
વિજ્ઞાન જાથાની ટીમે આજે ૧૨૬૩ મો સફળ પર્દાફાશ કર્યો હતો વાંકાનેર સીટી પોલીસ ટીમને સાથે રાખી વિજ્ઞાન જાથા ટીમે સફળ ઓપરેશન પાર પાડ્યું હતું અને લોકોને આવા દોરા-ધાગાના ધતિંગ સામે જાગૃત બનવા અને વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે અપીલ કરી હતી…

