Placeholder canvas

કળયુગ : 10 વર્ષના બાળકે તેની સાથે ભણતી બાળકીની છેડતી કરી…!!

ઘણી વખત સાંભળવા મળ્યું હશે કે કળયુગ તેની ચરમસીમાએ છે. આ વાતને સમર્થન આપતા કિસ્સાઓ પણ સમયાંતરે પ્રકાશમાં આવે છે. રાજકોટમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે તે જાણી સૌ અચંબિત થઈ જાય. અહીં રાજકોટના આજીડેમ ચોકડી વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં 10 વર્ષના બાળકે, 10 વર્ષની બાળકીની છેડતી કરી હતી. બાળકીએ આ વાત પોતાના પિતાને કરી. પિતાએ બાળકને ઠપકો આપતા બાળકના પિતા ઉપરાણું લઈને આવ્યા. આ પછી ઝઘડો થયો. મારામારી થઈ. જેમાં બાળકીના પિતાને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવની વિગત એવી છે કે, આજીડેમ ચોકડી પાસે એક એપાર્ટમેન્ટના ઈવિંગમાં બાળકીનો પરિવાર રહેતો હતો. જ્યારે આ જ એપાર્ટમેન્ટના એફ વિંગમાં બાળકનો પરિવાર રહેતો હતો. બાલ્કનીમાં ઉભા ઉભા બાળક તેની સામેની વિંગમાં રહેતી બાળકીને ઈશારા કરતો. સાથે ભણતા હોવાથી આવતા જતા પણ છેડતી કરતો. એક વખત બાળકે બાળકીને વચલી આંગળી બતાવી અને આંખથી પણ ઈશારો કર્યો. આ બધાથી કંટાળી બાળકીએ પોતાના માતા પિતાને વાત કરી પહેલી વખત બાળકીના માતા બાળકના માતાને મળ્યા અને આ વાત કરી. બાળક સમજી જતું કરવામાં આવ્યું. બાળકને સમજાવશે તેમ તેની માતાએ કહ્યું હતું. જોકે ગઈકાલે સાંજે ફરી બાળકે બાળકીને ઈશારા કરી પજવણી કરી. ફરી બાળકીએ પોતાના પિતાને વાત કરી.

જેથી આ છોકરાના પિતાને વાત કરતા મામલો બીચકયો. ઝઘડો થતા બાળકીના પિતા પર ધોકા વડે બાળકના પિતા અને તેની સાથેના અન્ય શખ્સો તૂટી પડ્યા. માથામાં-શરીરે ઇજા થતાં ઇજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો