વાંકાનેર: કાછીયાગાળા ગામે માતાજીના મઢમાંથી ચાંદીના છતરની ચોરી…
વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામ ખાતે આવેલ બુટ ભવાની માતાજીના મઢમાંથી બે અજાણ્યા ઈસમો મંદિરમાં ઘુસી દિવાબતી કરી માતાજી સમક્ષ પેંડા ધરી બાદમાં ચાંદીના બે છતરની ચોરી કરી હતી, આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં એક ચોરની ઓળખ થઇ જતાં આ મામલે વાંકાનેર તાલુકા પોલીસમાં બંને ઇસમો વિરૂદ્ધ ગુનો નોંધાયો છે.
મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામે આવેલ બુટ ભવાની માતાજીના મઢમાંથી ગત તા. ૨૯ ના સવારે ૧૧ વાગ્યાની આસપાસ બે ઈસમો બાઈક પર આવી મંદિરમાં માતાજીને દિવાબતી કરી પેંડા ધરી બાદમાં માતાજીની છબી પર રાખેલા બે ચાંદીના છતરની ચોરી કરી નાસી ગયો હતો.
આ સમગ્ર ઘટના મંદિર પરિસરમાં લગાડેલા સીસીટીવી કેમેરામાં કેદ થતા આ ફૂટેજ વાયરલ થતાં, બંને ચોરમાંથી એક ચોરની ઓળખ થઈ જતાં, આ મામલે ફરિયાદી હેમંતભાઈ રંગપરાએ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી વિપુલ ઉર્ફે પ્રવિણ મીઠાભાઈ જાદવ (રહે. મોટી મોલડી, તા. ચોટીલા) અને એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ છતર ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે.

