Placeholder canvas

મોરબી જિલ્લા ભાજપનાં ઉપપ્રમુખ પદેથી જીતુભાઈ સોમાણીનું રાજીનામું 

રાજકારણમાં ગરમાવો, ઉપપ્રમુખ તરીકે ગોરધનભાઈ સરવૈયાની નિમણુંક અને પોતાને મહામંત્રી પદ ન આપવા અંગે જીતુભાઇ સોમાણીએ નારાજગી વ્યક્ત કરી….

મોરબી : મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ પદેથી જીતુભાઇ સોમાણીએ રાજીનામું આપતા જિલ્લા ભાજપમાં રહેલો આંતરિક કચવાટ ખુલ્લીને બહાર આવ્યો છે. જીતુભાઇ સોમાણીએ એવું જાહેર પણ કર્યું છે કે ઉપપ્રમુખ તરીકે ગોરધનભાઈ સરવૈયાની નિમણુંક અને પોતાને મહામંત્રી પદ ન આપવાથી તેઓ નારાજ હોય જેથી રાજીનામું ધર્યું છે.

જીતુભાઈ સોમાણીએ જણાવ્યું છે કે તેઓ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં માત્ર 1250 મતથી હાર્યા હતા. આ ચૂંટણીમાં તત્કાલીન તાલુકા ભાજપ પ્રમુખ ગોરધનભાઇ સરવૈયાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી અપક્ષ ચૂંટણી લડી હતી. પાર્ટીએ તેઓને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા. છતાં પોતાના સ્વાર્થ ખાતર આવી વ્યક્તિને ફરી પક્ષમાં લેવામાં આવેલ છે. જે ખુબજ ગંભીર બાબત ગણી શકાય. તેટલામાં જ ફરી આ ગોરધનભાઈ સરવૈયાને જાહેર થયેલા જિલ્લા ભાજપ સંગઠનમાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખ પદ આપવામાં આવેલ છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારને છાવરવામાં આવે તો પક્ષ કેવી રીતે ચલાવી શકાય.

વધુમાં તેઓએ જણાવ્યું કે જિલ્લા ભાજપ સંગઠનમાં તેઓએ જિલ્લા ભાજપ મહામંત્રી તરીકે પોતાની નિમણુંક કરવા સાંસદ સભ્ય, પ્રદેશ સંગઠન મહામંત્રી, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખને કરી હતી. આ સાથે તેઓએ ત્યારે જણાવેલ કે જો તેમને મહામંત્રી પદ પર નિમણુંક કરવામાં ન આવે તો મારે અન્ય કોઈ પદ જોઈતું નથી. આમ છતાં તેઓને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પદ આપેલ છે. આ બન્ને કારણોસર ઉપપ્રમુખ પદ ઉપરથી રાજીનામું આપેલ છે. તેઓએ અંતમાં એવુ પણ જાહેર કર્યું છે કે તેઓ બાળપણથી જ સંઘના કાર્યકર છે. 1980થી ભાજપના સક્રિય કાર્યકર છે. અને તેઓ કાર્યકર તરીકે કાર્ય ચાલુ જ રાખશે.

આ સમાચારને શેર કરો