જો યાર્ડમાં તોડજોડનો પ્રયાસ થયો તો 10 હજાર ખેડૂતો ઘરે આવીને હલ્લાબોલ કરશે : જેતપરથી નેતાઓને ચીમકી

ખેડૂત પરિવર્તન પેનલના વિજય બાદ જેતપર ગામે અભિવાદન સમારોહ : મનોજ પનારા-લલિત કગથરાએ ચૂંટણી પરિણામ બાદ આગામી રણનીતિ અંગે કરી આકરી વાત

મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ખેડૂત પરિવર્તન પેનલને મળેલી ભવ્ય જીત બાદ જેતપર ગામે વિજેતા ઉમેદવારોના અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખેડૂત આગેવાન મનોજ પનારા, લલિત કગથરા સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. સભા દરમિયાન યાર્ડમાં ચૂંટાયેલા સભ્યોને તોડવાનો કે ખરીદવાનો પ્રયાસ કરવામાં આવશે તો 10 હજાર ખેડૂતો નેતાઓના ઘરે આવીને હલ્લાબોલ કરશે તેવી આકરી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

ખેડૂત પેનલનો એક પણ સભ્ય વેચાશે નહીં : મનોજ પનારા

મનોજ પનારાએ જણાવ્યું હતું કે મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી અને ખેડૂત આંદોલનનું એપીસેન્ટર જેતપર ગામ રહ્યું છે. જેતપરની સહકારી મંડળીઓએ એકસાથે મળીને શરૂઆત કરી હતી અને ત્યારબાદ સાદુળકા સહિતના ગામોએ પણ સમર્થન આપ્યું હતું.

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ખેડૂત પરિવર્તન પેનલના ચૂંટાયેલા 9માંથી એક પણ સભ્ય વેચાશે નહીં કે કોઈના દબાણમાં આવશે નહીં. તમામ સભ્યો પાંચ વર્ષ સુધી એકજૂથ રહીને ખેડૂતોના હિતમાં કામ કરશે.

મનોજ પનારાએ મોરબી જિલ્લાના કેટલાક મોટા નેતાઓ સામે તોડજોડની રાજનીતિ કરવાનો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે જો સત્તાની લાલચ આપીને કોઈપણ ચૂંટાયેલા સભ્યને ખરીદવાનો પ્રયાસ કરવામાં આવશે તો 10 હજાર ખેડૂતો તેમના ઘરે જઈને હલ્લાબોલ કરશે. આવા પ્રયાસો સામે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવશે અને ફોન રેકોર્ડિંગ જાહેર કરવાની પણ ચીમકી તેમણે ઉચ્ચારી હતી. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતો માત્ર વેચાનાર વ્યક્તિના ઘરે જ નહીં, પરંતુ ખરીદવાનો પ્રયાસ કરનાર નેતાઓના ઘરે પણ જશે.

ખેડૂતોનો ડર દૂર થયો, દાયકાઓની સલ્તનતનો અંત : લલિત કગથરા

લલિત કગથરાએ જણાવ્યું હતું કે માર્કેટિંગ યાર્ડમાં દાયકાઓથી એકહથ્થુ શાસન અને સલ્તનત ચાલતી હતી. અગાઉ ખેડૂતો અને સહકારી મંડળીઓમાં ખાતર સહિતની બાબતોને લઈને હેરાનગતિનો ડર રહેતો હતો. સત્તાધીશોના દબાણને કારણે અગાઉ બે વખત તેમની પેનલને પરાજયનો સામનો કરવો પડ્યો હોવાનો દાવો તેમણે કર્યો હતો.

જોકે આ વખતે જેતપર મંડળીના સભ્યોએ કોઈના ડર વિના ખુલ્લેઆમ વીડિયો બનાવીને ખેડૂત પરિવર્તન પેનલને સમર્થન આપ્યું હતું. જેના કારણે કુંભારિયા, સાદુળકા સહિતના અન્ય ગામોના ખેડૂતોનો પણ ડર દૂર થયો અને તેઓ ખુલ્લેઆમ સમર્થનમાં આવ્યા હોવાનું કગથરાએ જણાવ્યું હતું.

લલિત કગથરાએ આ પરિણામને ભાજપની ભયંકર હાર ગણાવી હતી. સાથે જ તેમણે સરકારને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો ઉદ્યોગપતિઓનો સાથ છોડીને ખેડૂતોનો અવાજ સાંભળવામાં નહીં આવે તો આગામી સમયમાં ગુજરાતમાં રાજકીય રીતે મોટું નુકસાન થઈ શકે છે અને 27 બેઠકો ગુમાવવાનો વારો આવી શકે છે.

ચૂંટાયેલા પ્રતિનિધિઓને લાલચમાં ન આવવા અપીલ

જેતપર મંડળીના સતીશકુમાર પ્રફુલભાઈ અઘારાએ મોરબી, ટંકારા અને માળિયાની તમામ સહકારી મંડળીઓના સભ્યોનો આભાર માન્યો હતો. તેમણે આ જીતને ગુજરાતના 54 લાખ ખેડૂતોની જીત ગણાવી હતી.

સાથે જ તેમણે માર્કેટિંગ યાર્ડમાં ચૂંટાઈને ગયેલા તમામ પ્રતિનિધિઓને અપીલ કરી હતી કે તેઓ કોઈપણ પ્રકારની લાલચમાં આવીને પૈસાથી વેચાઈ નહીં અને ખેડૂતોએ તેમના પર મૂકેલા વિશ્વાસને જાળવી રાખે. ખેડૂતોના હિત માટે એકજૂથ રહીને કામ કરવાની પણ તેમણે અપીલ કરી હતી.

જેતપર ખાતે યોજાયેલા આ અભિવાદન સમારોહમાં ખેડૂત પરિવર્તન પેનલના વિજય બાદ આગામી સમયમાં યાર્ડમાં ખેડૂતોના હિતને કેન્દ્રમાં રાખીને કામ કરવાની વાત આગેવાનો દ્વારા કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો

Follow Us on