રાજકોટ-લોધિકા સહકારી સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો જોરદાર પરચો; અરવિંદ રૈયાણી સહિતના દિગ્ગજોને પરાજય
રાજકોટ : રાજકોટ-લોધિકા સહકારી સંઘની પાંચ બેઠકોની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામોએ સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ભાજપના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી અને ભાજપના વ્હીપ વિરુદ્ધ મતદાન કરાવનાર ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા જૂથનો ચૂંટણીમાં દબદબો જોવા મળ્યો છે. પાંચ પૈકી ચાર બેઠકો પર રાદડિયા જૂથના ઉમેદવારો વિજેતા બન્યા છે, જ્યારે રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી સહિતના દિગ્ગજોને પરાજયનો સામનો કરવો પડ્યો છે.
આ પરિણામ સાથે રાજકોટ-લોધિકા સહકારી સંઘના ચેરમેન પદ માટે નીતિન ઢાંકેચાનું નામ નિશ્ચિત બન્યું હોવાનું સામે આવ્યું છે.
કુવાડવા બેઠક પર ભાજપના વ્હીપના ઉમેદવારને માત્ર એક મત
કુવાડવા બેઠક પર કુલ ચાર મત હતા. તેમાં ભાજપના વ્હીપના ઉમેદવાર અરવિંદ રૈયાણીને માત્ર એક મત મળ્યો હતો, જ્યારે રાદડિયા જૂથના ઉમેદવાર નીતિન ચોવટિયાને ત્રણ મત મળતા તેઓ વિજેતા જાહેર થયા હતા.
માધાપરમાં પણ રાદડિયા જૂથનો વિજય
માધાપર બેઠક પર કુલ પાંચ મત હતા. ભાજપના વ્હીપના ઉમેદવાર પૃથ્વીસિંહ (ઘોઘુભા) જાડેજાને માત્ર એક મત મળ્યો હતો, જ્યારે રાદડિયા જૂથના વિજય સખિયાને ચાર મત મળતા તેઓ વિજેતા જાહેર થયા હતા.
ખોખડદળમાં ભાજપના બાબુ નસીતનો એક મતથી વિજય
ખોખડદળ બેઠક પર કુલ ચાર મતમાંથી ત્રણ મતનું મતદાન થયું હતું. ભાજપના વ્હીપના ઉમેદવાર બાબુ નસીતને બે મત મળતા તેઓ વિજેતા બન્યા હતા, જ્યારે રાદડિયા જૂથના ઉમેદવાર હરજીભાઈ પીપળીયાને એક મત મળ્યો હતો.
આ બેઠક પરનો ચોથો મત રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટરના પતિ શૈલેષભાઈ પરસાણાનો હતો, પરંતુ તેમણે મતદાન કર્યું ન હતું.
કસ્તુરબા ધામ ત્રાંબામાં ટાઇ બાદ ચિઠ્ઠીથી નિર્ણય
કસ્તુરબા ધામ ત્રાંબાની બેઠક પર કુલ ચારેય મતદારોએ મતદાન કર્યું હતું. ભાજપના વ્હીપના ઉમેદવાર અનિરુદ્ધસિંહ જાડેજા અને રાદડિયા જૂથના નીતિન રૈયાણીને બે-બે મત મળતા ટાઇ સર્જાઈ હતી.
ત્યારબાદ ચિઠ્ઠી ઉલાળીને વિજેતા નક્કી કરવામાં આવતા રાદડિયા જૂથના નીતિન રૈયાણી વિજેતા જાહેર થયા હતા.
હલેન્ડામાં રાદડિયા જૂથનો એકતરફી વિજય
હલેન્ડા બેઠક પર કુલ ચાર મતદાર હતા અને ચારેયએ મતદાન કર્યું હતું. અહીં ભાજપના વ્હીપના ઉમેદવાર ધીરૂભાઈ રોકડને એક પણ મત મળ્યો નહોતો, જ્યારે રાદડિયા જૂથના મહેશભાઈ આસોદરિયાને ચારેય મત મળતા તેમણે એકતરફી વિજય મેળવ્યો હતો.
રાજકોટ-લોધિકા સહકારી સંઘની આ ચૂંટણીના પરિણામોએ સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયા જૂથની પકડ વધુ મજબૂત હોવાનું દર્શાવ્યું છે. ખાસ કરીને ભાજપના વ્હીપ સામે થયેલા મતદાનમાં રાદડિયા જૂથના ચાર ઉમેદવારોની જીતને રાજકોટના સહકારી રાજકારણમાં મહત્વપૂર્ણ રાજકીય સંકેત તરીકે જોવામાં આવી રહી છે.
