હળવદ

અંધશ્રદ્ધા વિરુદ્ધ ‘જાથા’નું ઓપરેશન: હળવદમાં મોગલ માતાજીનો ભૂવો બનનાર ફિરોજ સંધિનો ભાંડો ફૂટ્યો, પોલીસ ફરિયાદ

હળવદ, મોરબી: મોરબી જિલ્લાના હળવદમાં લાંબા સમયથી મોગલ માતાજીનો ભૂવો બનીને લોકોની આસ્થા સાથે ચેડાં કરી અંધશ્રદ્ધા ફેલાવતા એક શખ્સની પોલ ખૂલી પડી છે. ભારત જન વિજ્ઞાન જાથા (BJVSJ)ની ટીમે સ્થળ પર જઈને આ ધતિંગબાજનો પર્દાફાશ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસમાં લેખિત અરજી આપી છે.

દસ વર્ષથી ધાંગધ્રા દરવાજા વિસ્તારમાં ચાલતી હતી લીલા
જાથાના ચેરમેન જયંતભાઈ પંડ્યાની ટીમને ફરિયાદ મળી હતી કે, હળવદના ધાંગધ્રા દરવાજાની અંદરના ભાગમાં રહેતો ફિરોજભાઈ સંધિ છેલ્લા દસ વર્ષથી પોતાને માતાજીનો ભૂવો ગણાવી રહ્યો છે. તે ઘરમાં મઢ નાખીને દર રવિવાર અને મંગળવારે લોકોને જોતો હતો. ભૂત-પ્રેત, ડાકણ અને નજર જેવી વાતો કરીને લોકોને ગેરમાર્ગે દોરતો આ શખ્સ નિસંતાનને સંતાન આપવાના બહાને પણ ક્રિયાકાંડો કરતો હતો. ફિરોજ સંધિએ મેરુપરની વાડીના રસ્તેથી માતાજી મળ્યાનો ખોટો દાવો કર્યો હતો અને પોતે કરેલી સંતાન પ્રાપ્તિની આગાહીઓ પણ ખોટી સાબિત થઈ હતી, છતાં તે લોકોને બ્રહ્મમાં નાખવાનું ચાલુ રાખતો હતો.

જાથાની ટીમને આપ્યો અસહકાર
ફરિયાદના આધારે જાથાની ટીમે ફિરોજ સંધિના ઘરે પહોંચી તેને અંધશ્રદ્ધા ફેલાવતા કાર્યો, મંગળવારની ટેક અને માનતાઓ બંધ કરવા જણાવ્યું હતું. જોકે, ભૂવાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, “હું માતાજીમાં માનું છું, પાઠ કરું છું અને લોકો શ્રદ્ધાથી આવે છે, હું કોઈને ના પાડીશ નહીં.”
આરૉપીએ અંધશ્રદ્ધા બંધ કરવાની ના પાડતા, જાથાની મહિલા સભ્ય દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફિરોજ સંધિ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માટે લેખિત અરજી આપી દેવામાં આવી છે. પોલીસે હવે આ મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરીને ધતિંગ બંધ કરાવવાની દિશામાં પગલાં લીધા છે.

આ સમાચારને શેર કરો