હળવદ

પોલીસ નિષ્ક્રિય રહેતા હળવદના કડીયાણામાં જનતા રેડ: સરપંચ સાથે ૪૦૦ ગ્રામજનોએ દારૂના અડ્ડા તોડી પાડ્યા

વસાહતમાંથી ૧૦૦૦ લીટર દેશી દારૂનો આથો ઝડપી નાશ કરાયો; દુષ્કર્મ અને ચોરીના આરોપીઓના આશ્રયસ્થાન સામે લોકોનો ઉગ્ર આક્રોશ

હળવદ તાલુકાના કડીયાણા ગામે સ્થાનિક પોલીસની શંકાસ્પદ નિષ્ક્રિયતા સામે ગ્રામજનોની ધીરજ ખૂટતા આખરે કાયદો હાથમાં લીધા વિના જાતે જ એક્શન મોડમાં આવવાની ફરજ પડી છે. ગામમાં ચાલતા દારૂના દુષણ અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે લાલ આંખ કરીને સરપંચ સહિત અંદાજે ૪૦૦ જેટલા લોકોના ટોળાએ સીમમાં આવેલી વસાહતમાં ‘જનતા રેડ’ પાડી હતી. આ ઓપરેશન દરમિયાન હજારો લીટર દારૂના જથ્થાનો નાશ કરી ગ્રામજનોએ પોલીસ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
જમીનમાં દાટેલો ૧૦૦૦ લીટર આથો શોધી કાઢ્યો

મળતી વિગતો મુજબ, કડીયાણા ગામની સીમમાં આવેલી દેવીપૂજક વસાહતમાં લાંબા સમયથી દેશી દારૂ ગાળવાની પ્રવૃત્તિ ધમધમી રહી હતી. સ્થાનિક પોલીસને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા ગઈકાલે સરપંચની આગેવાનીમાં ૪૦૦ જેટલા ગ્રામજનો એકઠા થયા હતા અને વસાહત પર ત્રાટક્યા હતા. આ જનતા રેડ દરમિયાન જુદા-જુદા ૩ ઘરોમાંથી જમીનમાં દાટીને રાખેલો તેમજ કેરબાઓમાં ભરેલો અંદાજે ૧૦૦૦ લીટર જેટલો દેશી દારૂ બનાવવાનો આથો અને દારૂની કોથળીઓ ઝડપાઈ ગઈ હતી, જેનો રોષે ભરાયેલા ગ્રામજનોએ સ્થળ પર જ નાશ કર્યો હતો. ગ્રામજનોના મતે, આ વસાહતમાં ૩૦ જેટલા ઘરો છે અને જો તંત્ર દ્વારા સઘન તપાસ થાય તો મોટા પાયે ગેરકાયદે નેટવર્ક પકડાઈ શકે છે.
દુષ્કર્મની ઘટનાના તાર અહીં જોડાતા લોકોનો પિત્તો ગયો

ગ્રામજનો અને સરપંચના આ પ્રચંડ આક્રોશ પાછળ તાજેતરમાં બનેલી એક શરમજનક ઘટના જવાબદાર છે. મોરબી તાલુકાના બે જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ પર થયેલા સામૂહિક દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલી ગેંગ આ જ કડીયાણા ગામની વસાહતની હોવાનું ખૂલ્યું હતું. ગામલોકોનો સીધો આક્ષેપ છે કે આ તત્વો અહીં દારૂ વેચે છે, ચોરીઓ કરે છે અને દુષ્કર્મ જેવા ઘૃણાસ્પદ ગુનાઓ આચરીને આખા ગામને બદનામ કરી રહ્યા છે, છતાં સ્થાનિક પોલીસ આંખ આડા કાન કરી રહી છે.

પોલીસ પગલાં નહીં લે તો સીધા LCB બોલાવીશું: ગ્રામજનોની ચીમકી
સ્થાનિક પોલીસની ઢીલી નીતિથી કંટાળેલા કડીયાણાના ગ્રામજનોએ હવે આરપારની લડાઈના મૂડમાં છે. તેમણે તંત્રને ખુલ્લી ચીમકી આપતા જણાવ્યું છે કે, જો પોલીસ ભવિષ્યમાં આ વસાહતમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કાયમી ધોરણે બંધ નહીં કરાવે, તો તેઓ સ્થાનિક પોલીસને બાજુ પર રાખી સીધા જિલ્લાની એલ.સી.બી. (Local Crime Branch) ને બોલાવીને કાર્યવાહી કરાવશે અથવા આગામી દિવસોમાં ફરીથી આનાથી પણ મોટી જનતા રેડ કરવામાં આવશે.

આ સમાચારને શેર કરો