વાંકાનેર: જામસર ચોકડી પરના અકસ્માતમાં બાળકનું મોત અને બેને ઇજા થતાં આજે લોકોએ કર્યો ચકકાજામ…

વાંકાનેર તાલુકાની જામસર ચોકડી પાસે ગઈકાલે સવારે 11 વાગ્યે એક ડમ્પરે બાઈકને હડફેટ લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જામસર ગામના કુંવરજીભાઈ રાતોજા (ઉં.31) પોતાના પરિવાર સાથે બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે ડમ્પરે તેમને અડફેટે લીધું હતું. આ અકસ્માતમાં કુંવરજીભાઈના 6 વર્ષીય પુત્ર સુરેશનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં કુંવરજીભાઈની પત્ની જાનુંબેન (ઉ.વ.30)ને રાજકોટ હોસ્પિટલમાં અને 8 વર્ષીય પુત્રી આસુબેનને અમદાવાદની હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનાથી રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ જામસર ચોકડી પર ચક્કાજામ કર્યો હતો અને ભારે વાહનોની અવરજવર રોકી દીધી હતી.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં ડમ્પર ચાલકો માતેલ સાંઢણી માફક ઓવર સ્પીડમાં અને ઓવરલોડ માલ સાથે વાહન ચલાવે છે, જેના કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે. લોકોએ આવા બેજવાબદાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહીની માગ કરી છે. આગેવાનોએ આ ખનિજચોર ચોરી કરતા અને ઓવરલોડમાં ઓવર સ્પીડમાં ચાલતા ડમ્પરો જવાબદાર અધિકારી અને તંત્રને દેખાતા નથી ખનીજ ચોરો અને તંત્રની મિલીભગત હોય તેવો આક્ષેપ કર્યો છે અને ધમકી ઉચારી છે કે જો તંત્ર આ દિશામાં કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો વધુ આક્રમક આંદોલન કરવામાં આવશે.
