દેશ-દુનિયા

રીલરીયાઓ સુધરી જજો: હવે જો ટ્રેનમાં કે રેલ્વેના પાટા પર રીલ બનાવી તો ખૈર નથી.

જીવ જોખમમાં મુકીને સોશ્યલ મીડીયા માટે રીલ બનાવનારા સામે એકશન લેવાશે.

ટ્રેન કે રેલવેના પાટા પર રીલ બનાવનારા હવે સાવધાન થઈ જજો. જો આ જગ્યાઓ પર રીલ બનાવતી વખતે સુરક્ષાનું જોખમ ઉત્પન્ન કર્યું તો fir દાખલ કરવામાં આવશે. રેલવે બોર્ડે આ સંદર્ભે પોતાના તમામ ઝોનને નિર્દેશ આપી દીધો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, જો રીલ બનાવનારા સુરક્ષિત રેલવે કામગીરી માટે ખતરો ઊભો કરે છે અથવા કોચ અથવા રેલવે પરિસરમાં યાત્રીઓ માટે અસુવિધાનું કારણ બને છે તો તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવશે.

રીલ બનાવવામાં લોકોએ તમામ હદો વટાવી દીધી છે, રેલવે બોર્ડના આ દિશા-નિર્દેશ તાજેતરમાં કેટલાક એવા કિસ્સાઓ સામે આવ્યા બાદ આવી છે, જેમાં ખાસ કરીને યુવાનોએ પોતાના મોબાઇલ ફોનથી રેલવે ટ્રેક પર અને ચાલતી ટ્રેનોમાં સ્ટંટ કરતાં વીડિયો બનાવવામાં રેલવે સુરક્ષા સાથે ચેડાં કર્યા છે. ‘લોકો રીલ બનાવવામાં તમામ હદો વટાવી ચૂક્યા છે. તેઓ ન માત્ર પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે પરંતુ રેલવે ટ્રેક પર વસ્તુઓ મૂકીને અથવા વાહનો ચલાવીને અથવા ચાલતી ટ્રેનોમાં ખતરનાક સ્ટંટ કરીને સેંકડો મુસાફરોની સુરક્ષાને પણ જોખમમાં મૂકે છે.’ એવા ઘણા વીડિયો પ્રસારિત કરવામાં આવ્યા છે. જેમાં બતાવવામાં આવ્યું છે કે લોકો સેલ્ફી લેતી વખતે ટ્રેનની નજીક જતા રહ્યા હતા, જેના કારણે તેમનું મોત થયું હતું. ટ્રેનની અડફેટે આવતાં ઘણા લોકોએ ઘટનાસ્થળ પર જીવ ગુમાવી દીધો હતો. રેલવે બોર્ડના અધિકારીઓએ જણાવ્યું કે, રેલવે પ્રોટેક્શન ફોર્સ અને રાજકીય રેલવે પોલીસ ને નિયમોનું ઉલ્લંઘન કરીને રીલ બનાવનારાઓ પ્રત્યે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવા માટે કહેવામાં આવ્યું છે.

આ સમાચારને શેર કરો