આજે 21મી જૂન એટલે “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”
યોગ ભગાવે રોગ
દર વર્ષે 21 જૂને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ઉજવવામાં આવે છે. હાલમાં દેશ – દુનિયામાં સતત ચાલતી હરીફાઈને કારણે સૌ નું જીવન ખુબ જ વ્યસ્ત અને બેઠાળુ થઇ ગયું છે. ફીઝીકલ એક્ટીવીટી પહેલા કરતા લગભગ ના બરાબર થઇ છે એવા સમયે આજે યોગનું મહત્વ વધ્યું છે. ખાસ કરીને મહામારીનાં સમયમાંથી પસાર થયા બાદ લોકો હવે સ્વાસ્થ્યનું મહત્વ સમજી રહ્યા છે. યોગ સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયક છે. નિયમિત યોગ અભ્યાસ માનવ શરીરને મજબૂત અને લવચીક બનાવે છે. યોગ આસનો, પ્રાણાયામ અને ધ્યાન મનને શાંત કરે છે અને તાણને દૂર કરે છે. યોગ જીવનશૈલી સ્વીકારવાથી હૃદય, ફેફસા, પાચનતંત્ર અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે.
યોગમાં વિવિધ આસનો, પ્રાણાયામ અને ક્રિયાઓના વિવિધ ફાયદાઓ છે. જેમ કે સૂર્ય નમસ્કાર એ હૃદયનાં સ્વાસ્થ્ય અને લવચીકતા માટે ઉત્તમ છે, વૃક્ષાસન શરીરને સંતુલિત અને મજબૂત બનાવે છે, ભુજંગાસન પીઠના દુઃખાવાને ઘટાડે છે અને પીઠનાં સ્નાયુઓને મજબૂત બનાવે છે, શવાસન મનને શાંત કરે છે અને શ્રેષ્ઠ આરામ આપે છે. શ્વાસની કસરત શરીરને આંતરિક શાંતિ અને ઉર્જા પ્રદાન કરે છે, કારણ કે કપાલભાતી, અગ્નિસાર, સૂર્યભેદન, ચંદ્રભેદન તથા યુગલભસ્ત્રિકા વગેરે પ્રાણાયામ મન, બુદ્ધિ અને શરીરનું સમન્વય સાધવાનું કાર્ય કરે છે. ત્રાટક, નાડી શોધન, ષટકર્મ જેવી ક્રિયાઓ શરીરનો કચરો બહાર કાઢવા અને માનસિક શક્તિ વિકસાવવા માટે ઉપયોગી છે. યોગ એ માત્ર શારીરિક કસરત નથી, પણ એક જીવનશૈલી છે. યોગથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. ડાયાબિટીસ, હાઈ-લો બ્લડપ્રેશર, કિડની, ઉદરના રોગો, શરદી, શ્વાસ, એ.સી.ડી.ટી., સ્થૂળતા, અપૂરતી ઊંઘ વગેરે રોગો જેને આધુનિક વિકાસનાં રોગો કહે છે તેને દુર રાખવા માટે યોગ નિયમિત રીતે કરવું જોઈએ જેથી તંદુરસ્ત જીવન જીવી શકાય છે. -મિત્તલ ખેતાણી