વાંકાનેરના ભેરડા ગામે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી, તેજસ્વી વિદ્યાર્થિનીઓનું સન્માન

જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ; નવજાત દીકરીઓને વધામણા કીટ અને તેજસ્વી વિદ્યાર્થિનીઓને એજ્યુકેશન કીટ અપાઈ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભેરડા ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં દીકરીઓના અધિકારો, શિક્ષણ, આત્મનિર્ભરતા અને બાળલગ્ન અટકાવવા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

કેન્દ્ર સરકારની ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના અંતર્ગત આયોજિત આ કાર્યક્રમની વર્ષ 2026ની મુખ્ય થીમ ‘End Child Marriage and Invest in Girls’ Rights’ રાખવામાં આવી હતી.

દીકરીઓને કારકિર્દી અંગે માર્ગદર્શન

કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ વિદ્યાર્થિનીઓને કારકિર્દી અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં દીકરીઓ વિજ્ઞાન, રમતગમત અને વહીવટી સેવાઓ સહિતનાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવા માટે યોગ્ય આયોજન, સતત મહેનત અને દૃઢ આત્મવિશ્વાસ જરૂરી છે.

આ ઉપરાંત, ધોરણ 12 પૂર્ણ કર્યા બાદ વિવિધ કારણોસર અભ્યાસ છોડી દેનાર દીકરીઓ સાથે કલેક્ટરે વ્યક્તિગત બેઠક યોજી હતી. શિક્ષણને આત્મનિર્ભરતાનો મજબૂત આધાર ગણાવી તેમણે દીકરીઓને ફરીથી ઉચ્ચ અભ્યાસ શરૂ કરવા પ્રોત્સાહિત કરી હતી. આ પહેલનો હેતુ દીકરીઓમાં અભ્યાસ છોડી દેવાનું પ્રમાણ ઘટાડવાનો હતો.

નવજાત દીકરીઓને વધામણા કીટનું વિતરણ

કાર્યક્રમ દરમિયાન સરકારી હોસ્પિટલમાં જન્મેલી નવજાત દીકરીઓને આવકારવા માટે ‘દીકરી વધામણા કીટ’નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલ દ્વારા દીકરીના જન્મને આવકારવા અને સમાજમાં દીકરીઓ પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

તે ઉપરાંત, ધોરણ 10 અને 12માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે ઉત્તીર્ણ થનાર તેજસ્વી વિદ્યાર્થિનીઓને એજ્યુકેશન કીટ આપીને સન્માનિત કરવામાં આવી હતી. શાળાની વિદ્યાર્થિનીઓએ પણ દીકરીઓના અધિકારો, શિક્ષણનું મહત્ત્વ અને આત્મનિર્ભરતા જેવા વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.

વૃક્ષારોપણ કરી બાળલગ્ન અટકાવવા અપીલ

કાર્યક્રમના અંતે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બાળલગ્ન અટકાવવા અને દીકરીઓને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા માટે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ભેરડા ગામે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા દીકરીઓને શિક્ષણની સમાન તક મળે, તેઓ આત્મનિર્ભર બને અને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત રહે તેવા હેતુને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

#વાંકાનેર #ભેરડા #આંતરરાષ્ટ્રીયબાલિકાદિવસ #બેટીબચાઓબેટીપઢાઓ #દીકરીઓનુંશિક્ષણ #બાળલગ્ન #મોરબી #KaptaanNews

આ સમાચાર શેર કરો

Follow Us on