હોદ્દાની ફાળવણી સામે કાર્યકર્તાઓમાં નારાજગી, સામૂહિક રાજીનામાની ચીમકી

ટંકારા: પ્રજાના હિત અને કોંગ્રેસની વિચારધારાને જન-જન સુધી પહોંચાડવાના હેતુ સાથે ટંકારા શહેર કોંગ્રેસ સંગઠનની જાહેરાત કરવામાં આવ્યા બાદ પક્ષમાં આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે. મોરબી જિલ્લા તથા ટંકારા તાલુકા કોંગ્રેસની સંગઠનાત્મક કામગીરી સામે સ્થાનિક આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પાયાના સક્રિય કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે.
શહેર કોંગ્રેસ સંગઠનની જાહેરાત બાદ ટંકારા ખાતે પૂર્વ સદસ્યો, તાલુકા પંચાયત તથા નગરપાલિકાના સભ્યો, વિવિધ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્ર થયા હતા. આ દરમિયાન ઉપસ્થિત કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો હતો કે સંગઠનની રચનામાં એકતરફી નિર્ણયો લેવામાં આવ્યા છે અને વર્ષોથી પક્ષ માટે નિષ્ઠાપૂર્વક કામગીરી કરતા જૂના કાર્યકર્તાઓની અવગણના કરવામાં આવી છે.
કાર્યકર્તાઓના જણાવ્યા મુજબ સ્થાનિક સ્તરે કાર્યકર્તાઓને વિશ્વાસમાં લીધા વિના સંગઠનની રચના કરવામાં આવી છે. તેમજ વિવિધ સમાજોને યોગ્ય પ્રતિનિધિત્વ ન મળ્યું હોવાની રજૂઆત પણ કરવામાં આવી હતી. સંગઠનની પ્રક્રિયામાં જૂથબંધીને પ્રોત્સાહન મળતું હોવાના આક્ષેપો સાથે કાર્યકર્તાઓમાં અસંતોષ વ્યક્ત થયો હતો.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને હસ્તક્ષેપની માંગ
સ્થાનિક નેતાગીરીથી નારાજ કાર્યકર્તાઓએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને સમગ્ર મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે. કાર્યકર્તાઓની માંગ છે કે ટંકારા શહેર સંગઠનની રચના અંગે ફરીથી યોગ્ય રીતે ‘સેન્સ’ લેવામાં આવે અને હોદ્દાની ફાળવણી સહિત સમગ્ર પ્રક્રિયાની નિષ્પક્ષ સમીક્ષા કરવામાં આવે.
આ સાથે જ કાર્યકર્તાઓ દ્વારા ચીમકી આપવામાં આવી છે કે આગામી દિવસોમાં જો તેમની રજૂઆતો અંગે યોગ્ય સુધારો કરવામાં નહીં આવે તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા પાયાના કાર્યકર્તાઓ સામૂહિક રાજીનામાં આપી શકે છે. કાર્યકર્તાઓએ સ્પષ્ટ કર્યું હતું કે તેમનો વિરોધ કોઈ વ્યક્તિગત હોદ્દા કે સ્વાર્થ માટે નહીં પરંતુ કાર્યકર્તાના સન્માન, પારદર્શિતા અને પક્ષને સ્થાનિક સ્તરે વધુ મજબૂત બનાવવાના હેતુથી છે.
પક્ષ તરફથી અલગ દાવો
બીજી તરફ, પક્ષના જવાબદાર સૂત્રોના જણાવ્યા મુજબ સંગઠનમાં સક્ષમ તેમજ સમાજના વિવિધ વર્ગોને સાથે રાખીને લોકસેવા કરી શકે તેવા ચહેરાઓની પસંદગી કરવામાં આવી છે. હોદ્દાની ફાળવણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અને રાજકીય શિસ્તભંગ જેવા મુદ્દાઓને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા હોવાનું પક્ષના આંતરિક વર્તુળો જણાવી રહ્યા છે.
પક્ષના આંતરિક વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે સંગઠનમાં હોદ્દો મેળવવાની ઇચ્છા ધરાવતા કેટલાક કાર્યકર્તાઓ દ્વારા પોતાની પસંદગી ન થતાં નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે ટંકારા કોંગ્રેસના સ્થાનિક રાજકારણમાં સંગઠન જાહેર થયા બાદ જ આંતરિક ખેંચતાણ અને રાજકીય ગરમાવો વધ્યો છે.
હવે પ્રદેશ નેતાગીરી આ સમગ્ર મામલે શું નિર્ણય લે છે અને કાર્યકર્તાઓની નારાજગી દૂર કરવા માટે કોઈ ફેરફાર કરવામાં આવે છે કે કેમ તેના પર ટંકારા કોંગ્રેસના સ્થાનિક રાજકારણમાં સૌની નજર છે.
