પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરૂને નિલ્સ ગ્રીનવુડ્સ પ્રોજેક્ટમાં નિયમોના ભંગ બદલ રેરાએ ફટકાર્યો રૂા. 1.10 લાખનો દંડ

રાજકોટ: ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા એક આકરી કાર્યવાહી કરીને કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરૂને પોતાની નલ્સ ગ્રીનવુડ્સ યોજનામાં રેરાના નિયમોના સરેઆમ ભંગ બદલ કુલ રૂ. 1.10 લાખની પેનલ્ટી તા. 7 એપ્રિલના રોજના હુકમથી કરીને 30 દિવસમાં જમા કરાવવાનો આદેશ કર્યો હતો.
રેરાના આદેશ મુજબ રેરાની કલમ 13(1) અને કલમ 61 ના ભંગ બદલ રૂ.50 હજારનો દંડ જ્યારે રેરા દ્વારા કરાયેલા હુકમ અને કલમ 61 તેમજ 63ના ભંગ બદલ રૂ. 60 હજારનો દંડ કરવામાં આવ્યો છે. આ રકમ પ્રમોટરના રેરા એક્ટ મુજબ પ્રોજેક્ટના અલાયદા ખાતામાંથી ઉપાડી શકાશે નહિ અને પ્રમોટરે વ્યક્તિગત રીતે ભરવાની રહેશે.
કેસની વિગતો મુજબ ગુજરાત રેરાના સેક્રેટરી દ્વારા સુઓમોટો કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેની વિગતો મુજબ નિલ્સ ગ્રીનવુડ્સની અંદાજીત કોસ્ટ રૂ. 33.20 કરોડ છે અને પૂર્ણ કરવીની તારીખ 31 ડિસેમ્બર, 2024 હતી. પ્રમોટર દ્વારા પ્રોજેક્ટની વીગતો પોર્ટલ ઉપર અપલોડ કરવામાં આવી હતી.તેની વિગતો ચકાસતા તેઓએ વેચાણ કરેલા કુલ યુનિટો પૈકી 86 યુનિટ ધારકો પાસેથી બુકીંગ વખતે વેચાણ અવેજની રકમના 10 ટકા કરતા વધુ અવેજ લીધુ હતુ. આથી રેરાના વર્ષ 2021ના હુકમ નંબર 45 અને 2022ના હુકમ નંબર 71નો ભંગ કર્યો હતો.
કાયદા મુજબ જો પ્રોજેક્ટનું એક્સટેન્શન મેળવવું હોય તો પ્રોજેક્ટ પૂર્ણ થવાની તારીખથી એક મહિના પહેલા અરજી કરવાની રહે છે. પરંતુ પ્રમોટર દ્વારા વર્ષ 2024માં અરજી કરી હતી.
વધુમાં રેરા એક્ટની કલમ 13(1) મુજબ રજીસ્ટર્ડ એગ્રીમેન્ટ ફોર સેલ કરી આપ્યુ નહોતું. આથી સુઓમોટો કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્યગુરૂના પ્રતિનિધી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, 86 યુનિટો પૈકી 42 યુનિટોનું બાનાખત નિયત સમયમાં કરવામાં આવ્યું હતું પરંતુ તેમના સીએ દ્રારા રજૂ થયેલા ફોર્મ -3માં શરતચૂકથી વિગતો દર્શાવી નથી. આ 42 યુનિટોના સીધી વેચાણ દસ્તાવેજ કરી લેવામાં આવ્યા છે અને બે યુનિટના બાકી છે. શરતચુકથી એક્સટેન્શનની અરજી વિલબથી કરી છે.
તેમની રજૂઆતના અંતે રેરા દ્વારા નોંધ લેવામાં આવી હતી કે, પ્રમોટર દ્વારા કરવામાં આવેલો બચાવ ધ્યાને લેવાનું કોઇ કારણ નથી. પ્રમોટર દ્વારા 41 યુનિટોના ટુકડે ટુકડે અવેજની રકમના 10 ટકા કરતા વધારે રકમ અવેજ પેટે સ્વિકારી બનાખત કર્યા વગર સીધા જ વેચાણ દસ્તાવેજ કરી આપેલ છે. તેમજ બે યુનિટના વેચાણ દસ્તાવેજ કે બાનાખત કર્યા નથી.
આમ રેરા એક્ટની કલમ 13(1) મુજબ પ્રમોટર દ્વારા એલોટી પાસેથી રજીસ્ટર્ડ બાનાખત કર્યા વગર 10 ટકાથી વધારે રકમ અવેજ પેટે લઇ શકાતી નથી. તેથી પ્રમોટર દ્વારા આ કલમના આધારીત જારી કરવામાં આવેલા બે હુકમોનો ભંગ કરવામાં આવ્યો છે. વધુમાં પ્રોજેક્ટમાં એક્સટેન્શન મેળવવા માટે પુર્ણ થવાની અવધિના એક મહિના પહેલા અરજી કરવની હોય છે પરંતુ બે વર્ષ 1 દિવસ બાદ અરજી કરી છે. આમ રેરાના ઉપરોક્ત કાયદાઓ તેમજ હુકમોનો ભંગ કરવા બદલ કુલ રૂ. 1.10 લાખનો દંડ કર્યો હતો.
