વાંકાનેર: દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની વાંકાનેર શહેર અને તાલુકામાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં દેશભક્તિ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શાળાઓમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક અને દેશભક્તિપૂર્ણ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.


વાંકાનેર નગરપાલિકા સંચાલિત ગર્લ્સ સ્કૂલ ખાતે નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત નગરપાલિકાના ઉપપ્રમુખ, શિક્ષણ સમિતિના ચેરમેન, ચીફ ઓફિસર, નગરપાલિકાના સદસ્યો, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજનેશ પટેલ, ભાજપના ચેતનગીરી ગોસ્વામી, કોર્પોરેટર ધમભા, સંગઠનના આગેવાનો, સામાજિક આગેવાનો, શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ રમેશભાઈ વોરાએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. વિદ્યાર્થીનીઓએ વિવિધ સુંદર કાર્યક્રમો રજૂ કરી સૌનું મન મોહી લીધું હતું. ઉત્કૃષ્ટ રજૂઆત કરનાર વિદ્યાર્થીનીઓને આગેવાનોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામની એસ.એમ.પી. હાઈસ્કૂલ ખાતે પણ સ્વાતંત્ર્ય પર્વની રાષ્ટ્રપ્રેમ અને ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ, વાંકાનેરના ટ્રસ્ટી તથા મોમીન-મુસ્લિમ સમાજના ધર્મગુરુ સૈયદ શાઈર એહમદ પીરઝાદા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકગણ, વાલીઓ તેમજ સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

ચંદ્રપુરની અંજુમને મોમીન ટ્રસ્ટ સંચાલિત મોહંમદી લોકશાળા અને મોહંમદી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પણ ૮૦મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ટ્રસ્ટના પ્રમુખ શકીલએહમદ પીરજાદાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ભૂતપૂર્વ આચાર્ય શેરસીયા કથા ભાલારા સાહેબ, શિક્ષકગણ, વાલીઓ અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પરિસર દેશભક્તિના વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું.

આ ઉપરાંત પાજ પ્રાથમિક શાળામાં પણ સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા અને બાળકોનો ઉત્સાહ વધારવા માટે તેમને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આમ, વાંકાનેર શહેર-તાલુકાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં તિરંગાને સલામી સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવામાં આવી હતી.
