Placeholder canvas

લાઇટ હાઉસ, અટલ સરોવર, બ્રીજ, સાયન્સ સીટીના વડાપ્રધાનના હસ્તે લોકાર્પણની તૈયારી

રાજકોટ : સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટના વિકાસને નવી દિશા આપતાં લાઇટ હાઉસ, અટલ સરોવર, હોસ્પિટલ ચોક બ્રીજ, સાયન્સ સીટી સહિતનાં અર્ધો ડઝનથી વધુ વિકાસ કામોનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે નવરાત્રીમાં આ વિકાસ કામોનું લોકાર્પણ કરવા માટેનો તખ્તો ઘડવામાં આવી રહ્યો છે.

શહેરમાં કરોડોના વિકાસ પ્રોજેક્ટોનાં લોકાર્પણની સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેર સભાનું આયોજન પણ ઘડી કાઢવામાં આવનાર હોવાનું ટોચના સુત્રોએ જણાવ્યું હતું. દિલ્હી પીએમઓ કાર્યાલયમાંથી શહેરના વિકાસ કામો અને પ્રોજેક્ટોની યાદી મંગાવાતા વહીવટી તંત્ર દ્વારા આ અંગેની તમામ વિગતો એકત્રિત કરી દિલ્હી રવાના કરી દેવામાં આવી છે. અહીં એ ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરુ થતાની સાથે જ રાજકીય પક્ષો દ્વારા નગારે ઘા ઝીંકી પ્રચાર-પ્રસારના શ્રીગણેશ કરી દેવામાં આવેલ છે.

વહીવટી તંત્ર પણ ઇલેકશન મોડમાં આવી જવા પામેલ છે. થોડા સમય પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટ નજીકના આટકોટની મુલાકાત લઇ હોસ્પિટલનું લોકાર્પણ કરી જનમેદનીને સંબોધી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો હતો. વડાપ્રધાન મોદી આગામી શનિ-રવિના રાજ્યના સરહદી વિસ્તાર એવા કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. જે બાદ આગામી નવરાત્રી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટની મુલાકાત લઇ કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ કરનાર છે. આ અંગેનો તખ્તો વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરી દેવામાં આવેલ છે.

રાજકોટમાં રૈયા વિસ્તારમાં આવેલ વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ એવા લાઈટ હાઉસ પ્રોજેક્ટ તેમજ અટલ સરોવરની નિર્માણ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ બંને મોટા પ્રોજેક્ટનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવા માટેની તૈયારીઓનો ધમધમાટ શરુ કરી દેવાયો છે. તેની સાથોસાથ ઇશ્ર્વરીયા ખાતે નિર્માણ કરાયેલ સાયન્સ સીટી, માધાપરમાં નવનિર્મિત કોર્ટ હોસ્પિટલ ચોકમાં નિર્માણાધીન થ્રી આર્મ ઓવરબ્રીજ સહિતનાં વિકાસ કામોનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે લોકાર્પણ કરવા માટેની તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા આરંભી દેવામાં આવી છે. રાજકોટ સહિત દેશમાં માત્ર 6 શહેરમાં લાઇટ હાઉસ આવાસ યોજના બનાવવામાં આવી છે.

જેમાં ચેન્નાઇ ખાતે આ આવાસ યોજનાનું લોકાર્પણ ખુદ વડાપ્રધાને કર્યું હતું. બાકીના પાંચ શહેરમાં રાજકોટનું કામ સૌથી આગળ છે જે નવરાત્રી પૂર્વે પૂર્ણ થઇ જાય તેમ છે. આથી આ કામની યાદી પણ વડાપ્રધાનના કાર્યક્રમ માટે મોકલવામાં આવી છે. ન્યુ રાજકોટના સ્માર્ટ સીટી વિસ્તારમાં ભવ્ય અટલ સરોવરનું લોકાર્પણ કરશે. સિવિલ હોસ્પિટલ ચોકમાં 109 કરોડના ખર્ચે થ્રી આર્મ બ્રીજનું કામ પુરુ થવા આવ્યું છે. આ બ્રીજનું લોકાર્પણ પણ વડાપ્રધાન કરે તેવી શક્યતા છે.

આ સમાચારને શેર કરો