Placeholder canvas

ચોટીલા ડુંગર પરનાં રોપ-વે પ્રોજેકટ સામે મંદિર ટ્રસ્ટની હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી

હાઇકોર્ટે સરકાર સહિતનાં પ્રતિવાદીઓને નોટીસ ફટકારાઇ

ચોટીલા ડુંગર પર હાથ ધરાનારા રોપ-વે પ્રોજેક્ટ સામે ચામુંડા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. ટ્રસ્ટની ફરિયાદ છે કે અગાઉ જે કંપની પાસેથી અહીંના રોપ-વે પ્રોજેક્ટનો ડ્રાફ્ટ ઓર્ડર પરત લેવાયો હતો તેને જ ફરી રોપ-વે માટેનો ડ્રાફ્ટ ઓર્ડર ગત એપ્રિલમાં ગુપ્તતાથી આપવામાં આવ્યો છે.

જેમાં મંદિર ટ્રસ્ટ સાથે ચર્ચા-વિચારણા પણ કરવામાં આવી નથી. કોર્ટે રાજ્ય સરકાર સહિતના પ્રતિવાદીઓને નોટિસ પાઠવી આગામી સુનાવણી બે અઠવાડિયા બાદ નિયત કરી છે.

અરજદાર ટ્રસ્ટની રજૂઆત છે કે મંદિરની ટોંચ પર આવેલા ચામુંડા માતાજીના મંદિર સુધી પહોંચવા – દર્શનાર્થીઓએ 635 પગથિયાં ચડવા પડે છે. જેથી સરકારે 2011માં માર્સ એન્ટરટેઇનમેન્ટ લિમિટેડને અહીં રોપ-વે પ્રોજેક્ટ માટે ડ્રાફ્ટ ઓર્ડર આપ્યો હતો. જેની સામે ટ્રસ્ટે હાઇકોર્ટમાં રિટ કરતા સરકારે તે ડ્રાફ્ટ ઓર્ડર પરત કર્યો હતો. હવે રાજ્ય સરકારે ફરી 5-4-2021ના રોજ નોટિફિકેશન જારી કરી ફરી આ જ કંપનીને રોપ-વે પ્રોજેક્ટ માટે ડ્રાફ્ટ ઓર્ડર આપ્યો છે. અરજદારનો આક્ષેપ છે કે આ કંપની પાસે રોપ-વે ઉભી કરવાનો કોઇ અનુભવ નથી.

તેઓ લેટેસ્ટ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવાના નથી. આઉપરાંત રોપ-વે ઉભો કરવાનું કામ આ કંપની બીજી કંપનીને સોંપવાની છે. મંદિર ડુંગર પર હોવાથી ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓને સંખ્યાના કારણે અસુવિધાઓ ન સર્જાય તે માટે વિવિધ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેથી પર્વત અને પગથિયાં પર કોઇ અડચણ વિના દર્શનાર્થીઓની ભીડનું વ્યવસ્થાપન થઇ શકે, દર્શનાર્થીઓની વ્યવસ્થાનું કામ ટ્રસ્ટનું હોવા છતાં ટ્રસ્ટને જાણ કર્યા વિના કે ચર્ચા કર્યા વગર જ સરકારે ગુપ્ત રીતે આ નોટિફિકેશન જારી કર્યુ હોવાથી તે રદ થવું જોઇએ.

આ સમાચારને શેર કરો