અખરે, હળવદ દુર્ઘટના મામલે કારખાનેદાર સહિત 8 વિરુદ્ધ ગુન્હો દાખલ

હળવદ : જીઆઈડીસીમાં મીઠાના કારખાનામાં દીવાલ પડતા 12 શ્રમિકોના મૃત્યુ મામલે અંતે હળવદ પોલીસ મથકમાં કારખાનાના ભાગીદારો, મહેતાજી, સુપરવાઈઝર સહિતના આઠ સામે તેમજ તપાસમાં ખુલ્લે તે ઈસમો વિરુદ્ધ ભારે કલમો મુજબ ગુન્હો દાખલ થયો છે. આ દુર્ઘટનામાં પિતા અને બહેન ગુમાવનાર અને ઘટનાને નજરે જોનારા શ્રમિકની ફરિયાદને આધારે પોલીસે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મળેલ માહિતી મુજબ હળવદ જીઆઈડીસીમાં આવેલ સાગર કેમ એન્ડ ફુડ સોલ્ટ ફેકટરીમાં ગત તા.18ના રોજ બપોરના સમયે દીવાલ ધસી પડતા 12 શ્રમિકોના મૃત્યુ થયેલ, આ ઘટનાને નજરો નજર નિહાળનાર અને પિતા તેમજ બેન ગુમાવનાર મૂળ કચ્છના રાપર તાલુકાના સવાઈ ગામના અને હાલ હળવદ ખાતે રહેતા રાજેશ ઉર્ફે લખું રમેશભાઈ પીરાણાની ફરિયાદને આધારે પોલીસે કારખાનાના ભાગીદાર અફઝલભાઇ અલારખાભાઇ ઘોણીયા, રાજેશકુમાર મહેંદ્રકુમાર જૈન, કિશનરામ લાલારામ ચૌધરી, દેવો ઉર્ફે વારીસ અલારખાભાઇ ઘોણીયા, આત્મારામ કિશનરામ ચૌધરી, સુપરવાઇઝર એકાઉન્ટન્ટ એવા સંજયભાઇ ચુનીલાલ ખત્રી, મનોજભાઇ રેવાભાઇ સનુરા, આસીફ ભાઇ નુરાભાઇ તથા તપાસમાં જે ખુલે તે વ્યક્તિઓ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.

ફરિયાદમાં જણાવાયું છે કે, સાગર કેમ એન્ડ ફુડ સોલ્ટના કારખાનાના ભાગીદારો દ્વારા પાયા ભર્યા વગર તથા બીમ કોલમ ભર્યા વગરની લાંબી તથા ઉંચી દીવાલ બનાવી પોતે તમામ જાણતા હોય કે દીવાલ નબળી છે છતા દીવાલની લગોલગ મીઠુ ભરેલ બોરીઓ દીવાલની ઉંચાઇ કરતા વધારે ઉંચાઇ સુધી બોરીઓની થપ્પીઓ કરાવી વધુ બોરીઓ થપ્પામાં નખાવવાનુ ચાલુ રાખતા દીવાલ ધસી પડતા રમેશભાઇ મેઘાભાઇ કોળી, દીલીપભાઇ રમેશભાઇ કોળી, શ્યામભાઇ રમેશભાઇ કોળી, દક્ષાબેન રમેશભાઇ કોળી, શીતલબેન દીલીપભાઇ કોળી, દીપક દીલીપભાઇ કોળી ઉ.3, ડાયાભાઇ નાગજીભાઇ ભરવાડ, રાજીબેન ડાયાભાઇ ભરવાડ, દેવીબેન ડાયાભાઇ ભરવાડ, રમેશભાઇ નરશીભાઇ પીરાણા, કાજલબેન રમેશભાઇ પીરાણા અને રાજેશભાઇ જેરામભાઇ મકવાણાને માથાના તથા શરીર ના ભાગે ઇજા થતા મૃત્યુ થયેલ અને તેમજ સંજયભાઇ રમેશભાઇ કોળી તથા આશાબેન ડાયાભાઇ ભરવાડને શરીર ઉપર ગંભીર ઇજા થયેલ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ ગંભીર બનાવ મામલે પોલીસે રાજેશ રમેશભાઈ પીરાણાની ફરિયાદને આધારે કારખાનાના માલીક, સંચાલકો,સુપરવાઇઝર તથા તપાસમાં ખુલ્લે તે તમામ વિરુદ્ધ જાણી જોઈને માનવ જીંદગી જોખમાઇ તે રીતે બેદરકારી, નિષ્કાળજી રાખવા ઉપરાંત બાળ શ્રમિકોને કામે રાખવા મામલે આઈપીસી કલમ 304, 308, 114 તથા બાળ અને તરુણ કામદાર પ્રતિબંધની કલમ 33 તેમજ 14 મુજબ ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ સમાચારને શેર કરો