રાજકોટમાં લારીધારકે છરી વડે સરાજાહેર આતંક મચાવ્યો…

કોર્પોરેશનની દબાણ હટાવ શાખાના સ્ટાફે ફ્રૂટની લારી હટાવવાનું કહેતા આરોપીએ ઉશ્કેરાઈને ઇન્સ્પેક્ટરને છરી ઝીંકી : અડધો કલાક સુધી ફ્રૂટનો ધંધાર્થી ખેલ કરતો રહ્યો છતાં પોલીસ તમાશો નિહાળતી રહી : નિયમિત હપ્તા ચૂકવવા છતાં કોર્પોરેશન રેંકડી જપ્ત કરી જતું હોવાનું આરોપીનું રટણ…

રાજકોટ: શહેરના નાનામવા સર્કલ પાસે આવેલા શાસ્ત્રીનગર રોડ પર દબાણ હટાવવા માટે ગયેલ મનપાની દબાણ હટાવ શાખાના ઇન્સ્પેક્ટર પર ફ્રૂટની લારી ધરાવનાર શખ્સે છરી વડે હુમલો કર્યો હતો. આ શખ્સે છરો કાઢી રીતસર 40 મીનીટ રોડ બાનમાં લીધો હતો. જેના પગલે અહીં નાસભાગ પણ મચી જવા પામી હતી. એક તબક્કે આરોપી ભાગીને પાર્ટી પ્લોટમાં પણ છુપાઈ ગયો હતો. બાદમાં પોલીસે તેને માંડ કાબૂમાં લઇ પોલીસ સ્ટેશન સોંપ્યો હતો. આ મામલે પોલીસે મનપાના દબાણ શાખાના ઇન્સ્પેક્ટરની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીનો કોરોના ટેસ્ટ કરાવવા અને ત્યારબાદ તેની વિધિવત ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ શહેરના નાનામવા રોડ પર શાસ્ત્રીનગર મેઇન રોડ પર દબાણ હટાવ શાખાની ટીમ અહીં લારીઓનું દબાણ હટાવવા માટે ગઇકાલે બપોર બાદ ગઇ હતી. દરમિયાન અહીં ફ્રૂટની લારી ધરાવનાર રિયાઝ અનવરભાઈ માડચીયા નામના શખ્સને લારી હટાવવાનું કહેતા તેણે ઉશ્કેરાઈ મનપાના સ્ટાફને ગાળો આપવાનું શરુ કર્યું હતું. બાદમાં પોતાની પાસે રહેલી છરી કાઢી ઇન્સ્પેક્ટર રાજદીપસિંહ રાણાને ઝીંકી દીધી હતી. જેથી તેમને હાથમાં ઇજા પહોંચી હતી. ઇન્સ્પેક્ટરને છરી ઝીંક્યા બાદ પણ આ શખ્સ અહીં અટક્યો ન હતો અને રીતસર અડધો કલાક અહીં સુધી તરબૂચ, વજનકાંટા સહિતનાનો ઘા કરી તેમજ છરી લઇ પોલીસ ટીમ તથા પબ્લીક પાછળ દોડી આતંક મચાવ્યો હતો. ફ્રૂટનો ધંધાર્થી છરી સાથે સરાજાહેર આતંક મચાવી રહ્યો હતો તેમ છતાં પોલીસનો સ્ટાફ તેની સામે કોઇ અસરકારક કાર્યવાહી ન કરતા આ શખ્સમાં વધુ હિંમત આવી હતી અને તેણે વધુ ખેલ શરુ કરી દીધા હતા.

બાદમાં પોલીસે પરચો દેખાડતા રિયાઝ ભાગીને નજીકમાં આવેલા પાર્ટી પ્લોટમાં છુપાઈ ગયો હતો. જ્યાંથી પોલીસે તેને પકડી બહાર કાઢી તાલુકા પોલીસને સોંપ્યો હતો. આ મામલે શહેરના સરિતા વિહાર સોસાયટીમાં રહેતા અને મનપાના દબાણ હટાવ શાખાના ઇન્સ્પેક્ટર રાજદીપસિંહ રાણા ની ફરિયાદ પરથી તાલુકા પોલીસે આરોપી સામે આઈપીસીની કલમ 325, 333, 336, ફરજમાં રુકાવટની કલમ 186, 504 અને જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધ્યો હતો. આરોપીનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તેની વિધિવત ધરપકડ કરવામાં આવશે તેમ તાલુકા પોલીસ મથકના પીઆઈ જે.વી. ધોળાએ જણાવ્યું હતું.મનપાના દબાણ હટાવ શાખાના સ્ટાફ પર છરી વડે હુમલો કરી સરાજાહેર આતંક મચાવાનાર આરોપીએ એવું રટણ કર્યું હતું કે મનપાની ટીમ વારંવાર લારી જપ્ત કરવા આવતી હોય છે તેઓને નિયમિત હપ્તો ચૂકવવા છતાં લારી ઉઠાવી જતાં હોય ઉશ્કેરાઈ આ કૃત્ય આચર્યું હતું.

આ સમાચારને શેર કરો