વાંકાનેર

મોરબીમાં : ૨૫ લાખની ઉઘરાણી કરતા સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર પર ખીલા જડેલા ધોકાથી જીવલેણ હુમલો

જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય અજય લોરિયા સામે ખૂનની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ; ટ્રાન્સપોર્ટના ડેલામાં બોલાવી મર્સિડીઝમાંથી ધોકો કાઢી નિર્મમ માર માર્યો

મોરબી: મોરબીના રાજકીય અને સામાજિક વર્તુળમાં ભારે ખળભળાટ મચાવતી એક ઘટના સામે આવી છે. પોતાને રાષ્ટ્રભક્ત તરીકે ઓળખાવતા અને જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય અજય લોરિયાએ ઉછીના લીધેલા ૨૫ લાખ રૂપિયા પરત માંગનારા ઉદ્યોગપતિ અને તેમના મિત્ર પર લોખંડના ખીલા જડેલા ધોકા વડે હિંસક હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ હુમલામાં ઉદ્યોગપતિના બંને હાથમાં ફ્રેક્ચર અને તેમના મિત્રને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા બંને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પૈસા માંગતા જ અજય લોરિયા લાલચોળ થયો
રવાપર રોડ પર રહેતા શેખરભાઈ રતિલાલભાઈ આદ્રોજા (ઉં.વ. ૪૬) નામના ઉદ્યોગપતિએ અજય લોરિયાને ૨૫ લાખ રૂપિયા હાથ ઉછીના આપ્યા હતા. રવિવારે રાત્રે શેખરભાઈએ નાણાંની ઉઘરાણી માટે ફોન કરતા અજયે તેમને રાત્રે ૧૧:૩૦ કલાકે સનાળા રોડ પર આવેલ ભારત ટ્રાન્સપોર્ટના ડેલામાં બોલાવ્યા હતા. શેખરભાઈ તેમના મિત્ર જયેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ પાડલીયા સાથે ત્યાં પહોંચતા જ અજય લોરિયાએ પોતાની મર્સિડીઝ ગાડીમાંથી ઉતરી ગાળો આપવાનું શરૂ કર્યું હતું.

“તને તો પતાવી જ દેવો છે” કહી જીવલેણ હુમલો કર્યો
ફરિયાદ મુજબ, અજય લોરિયાએ પોતાની ગાડીમાંથી લોખંડના ખીલા વાળો ધોકો કાઢી “કેમ પૈસા માંગ માંગ કરે છે?” તેમ કહી શેખરભાઈ પર તૂટી પડ્યો હતો. વચ્ચે બચાવવા પડેલા જયેશભાઈને પણ “તું આની સાથે કેમ આવ્યો છે, તને તો મારી જ નાખવો છે” કહી માથામાં ધોકાના ઘા ઝીંકી દીધા હતા. આ ઝપાઝપીમાં જયેશભાઈનો સોનાનો ચેન અને પેન્ડલ પણ પડી ગયા હતા. હુમલાખોરે જયેશભાઈને ગાડીમાંથી કાંઠલો પકડી બહાર ખેંચી નિર્દયતાપૂર્વક માર માર્યો હતો.

પોલીસ કાર્યવાહી: ભારે કલમો હેઠળ ગુનો
ભોગ બનનાર શેખરભાઈને બંને હાથમાં ફ્રેક્ચર તેમજ શરીરે મૂઢમાર વાગ્યો છે, જ્યારે જયેશભાઈને માથામાં ગંભીર ઈજાઓ થઈ છે. મોરબી એ-ડિવિઝન પોલીસે આ મામલે ગંભીરતા દાખવી અજય લોરિયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૧૫(૨), ૧૧૭(૨) (ગંભીર ઈજા પહોંચાડવી), ૧૦૯ (ખૂનની કોશિશ/ઉશ્કેરણી), ૩૫૨, ૩૫૧(૨) અને જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચારને શેર કરો