લ્યો બોલો! ગુજરાતમાં દારૂબંધી છે છતાં, દર મિનિટે 11 શરાબ બોટલો ઝડપાય છે.
ખુદ રાજય સરકારનો સ્વીકાર: 2021માં રૂા.124 કરોડનો શરાબ ઝડપાયો: રાજયના પોલીસ વડા કહે છે અમો શ્રેષ્ઠ પ્રયાસો કરીએ છીએ પણ દરેક ટ્રક ચેક કરવાનું અશકય છે
ગુજરાતમાં શરાબના પ્યાસીઓ માટે લોકડાઉન પણ નડયું નથી કે નવી કોઈ પ્રતિબંધાત્મક આદેશો નડયા અને શરાબનું ગેરકાનુની નેટવર્ક ખૂબ જ સરળતાથી ચાલી રહ્યું છે અને પોલીસે ઝડપેલા શરાબના જ આંકડા તપાસીએ તો રાજયમાં દર મીનીટે 11 શરાબ બોટલો ઝડપાઈ રહી છે. અને ખરેખર ગુજરાતમાં ઠલવાતી બોટલોનો આંકડો તો આ સંખ્યાથી 11 ગણી વધુ હશે.
કારણ કે કોઈપણ સીઝનમાં ગુજરાતમાં શરાબીઓને તેમની પસંદગીનો શરાબ મળી રહે છે. ગુજરાતમાં મુખ્યત્વે ઈન્ડીયન મેઈડ, ફોરેન લીકર એટલે કે જે વિદેશી બ્રાન્ડ છે તેની દેશી એડીશન ઘરઆંગણે જે લાયસન્સની અને ગેરકાનુની રીતે શરાબ બને છે તે ઉપલબ્ધ છે. ખરેખર વિદેશી બ્રાન્ડની શરાબ તો અત્યંત મોંઘી અને તે ફાઈવ સ્ટાર હોટેલ જેવા રીટેલ આઉટલેટ પર મળે છે. ગુજરાતમાં દેશી દારુનો ધંધો પણ ગૃહઉદ્યોગ જેવો છે અને તે વચ્ચે રાજય પોલીસે 2020માં રૂા.115 કરોડ અને 2021માં રૂા.124 કરોડનો દેશી-વિદેશી દારુ ઝડપી લીધો છે.
જો કે મોટાભાગે તો વિદેશી બ્રાન્ડની બોટલોમાંજ પોલીસને રસ હોય છે દેશી દારુ તો સ્થળ પર જ ઢોળી નાખીને નિકાલ કરી તેની ભઠ્ઠીઓ તોડી પડાય છે. રાજયમાં પ્રોહીબીશન એકટ હેઠળ નોંધાતા કેસો પણ વધતા જ રહ્યા છે. 2020માં આ પ્રકારે કુલ 1.53 લાખ કેસ વધ્યા હતા જે 2021માં 1.69 લાખ નોંધાયા હતા અને 2020માં 1.64 લાખ લોકોને બુટલેગર્સ તરીકે ઝડપવામાં આવ્યા હતા અને 2027માં 1.67 લાખની સામે કેસ વધ્યા હતા.
2020માં લોકડાઉન હતું છતાં પણ 2021 જેટલા જ કેસ નોંધાયા હતા તે નોંધ લેવી જોઈએ જેમાં હજું 21853 આરોપીઓને ઝડપી શકાયા નથી. જો કે રાજયના પોલીસ વડા શ્રી આશિષ ભાટીયા કહે છે કે પોલીસની સતર્કતાથી અમો શરાબને ગુજરાતમાં જે રીતે ઠાલવવામાં આવે છે તેને મોટી બ્રેક આપી શકયા છે અને રાજયમાં જે ટ્રક દાખલ થાય છે તેને તમામને ચેક કરવાનું શકય પણ નથી છતાં રાજયનું પોલીસ દળ એલર્ટ છે અને બાતમીના આધારે પણ કાર્યવાહી થાય છે.