તત્કાલીન હળવદ પ્રાંત અધિકારીના હુકમો રદ, મૂળ પ્રમોલગેશન નોંધ યથાવત રાખવા આદેશ
મોરબી : માળીયા મિયાણા તાલુકાના વાઘરવા ગામની જમીનને લઈને લાંબા સમયથી ચાલી રહેલા મહેસૂલી વિવાદમાં મોરબી જિલ્લા કલેક્ટર શ્રી સ્વપ્નિલ ખરેએ મહત્વનો ચુકાદો આપ્યો છે. કલેક્ટર કોર્ટ દ્વારા તત્કાલીન હળવદ પ્રાંત અધિકારી દ્વારા પ્રમોલગેશન નોંધમાં કરવામાં આવેલા ફેરફારોને અધિકારક્ષેત્ર બહારના અને કાયદેસર રીતે અયોગ્ય ઠેરવી રદબાતલ કરવામાં આવ્યા છે. સાથે જ મૂળ પ્રમોલગેશન નોંધ મુજબ જમીનનું નામ પુનઃસ્થાપિત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
મળતી વિગતો મુજબ વાઘરવા ગામના રેવન્યુ સર્વે નં. ૫૨૧, હાલના સર્વે નં. ૫૨૧ પૈકી-૧ તથા ૫૨૧ પૈકી-૨ની જમીનની મૂળ પ્રમોલગેશન નોંધ નં. ૧૬૬૦માં જમીન સ્વ. જાડેજા ભીખુભા ભુરુભાના નામે નોંધાયેલી હતી.
જોકે, તત્કાલીન હળવદ પ્રાંત અધિકારી દ્વારા તા. ૦૬/૧૦/૨૦૨૨ અને તા. ૦૮/૦૭/૨૦૨૫ના હુકમોથી પ્રમોલગેશન નોંધમાં ફેરફાર કરી ખાતેદાર તરીકે શાંતિલાલ તારાચંદ મહેતાનું નામ દાખલ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. આ હુકમ સામે જાડેજા પરિવારના કુલમુખત્યાર દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરની કોર્ટમાં રીવિઝન અરજી કરવામાં આવી હતી.
દસ્તાવેજ સર્વે નં. ૫૪૮નો હોવા છતાં સર્વે નં. ૫૨૧માં ફેરફાર થયાની નોંધ
રીવિઝન કેસની સુનાવણી દરમિયાન જિલ્લા કલેક્ટર કોર્ટ દ્વારા રેવન્યુ રેકર્ડ, કે.જે.પી. તેમજ અન્ય દસ્તાવેજી પુરાવાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં વર્ષ ૧૯૬૭માં શાંતિલાલ તારાચંદ દ્વારા કરવામાં આવેલા વેચાણ દસ્તાવેજ, નોંધ નં. ૯૨૩ અંગે પણ તપાસ કરવામાં આવી હતી.
ચુકાદામાં નોંધાયેલા તારણ મુજબ, આ વેચાણ દસ્તાવેજમાં ઢોરો અને સોખડાના મારગ નામના ખેતરનો ઉલ્લેખ હતો અને દસ્તાવેજમાં દર્શાવાયેલી ચતુર્દિશા સર્વે નં. ૫૪૮ની જમીન સાથે સુસંગત હોવાનું જણાયું હતું. જ્યારે સર્વે નં. ૫૨૧ની જમીન અલગ હોવાનું રેવન્યુ રેકર્ડ અને પુરાવાઓ પરથી સામે આવ્યું હતું.
આથી, દસ્તાવેજ સર્વે નં. ૫૪૮ને લગતો હોવા છતાં ગેરસમજના કારણે સર્વે નં. ૫૨૧ની જમીનમાં નામ દાખલ કરવામાં આવ્યું હોવાનો નિષ્કર્ષ કલેક્ટર કોર્ટ દ્વારા નોંધાયો છે.
પ્રમોલગેશન નોંધમાં ફેરફારની સત્તા અંગે પણ મહત્વનું તારણ
ચુકાદામાં જિલ્લા કલેક્ટરે એ બાબત પણ નોંધાવી છે કે પ્રમોલગેશન નોંધમાં આ પ્રકારનો ફેરફાર કરવાની સત્તા તત્કાલીન નાયબ કલેક્ટર પાસે ન હોવા છતાં હુકમ કરવામાં આવ્યો હતો. તેથી આ હુકમ અધિકારક્ષેત્ર બહારનો અને કાયદેસર રીતે અયોગ્ય હોવાનું ઠરાવવામાં આવ્યું છે.
આ તમામ હકીકતો અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં લઈને જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જાડેજા પરિવારની રીવિઝન અરજી મંજૂર કરી છે.
અનુસંધાનમાં થયેલી અનેક મહેસૂલી નોંધો પણ રદ
કલેક્ટર કોર્ટના આદેશ મુજબ વાઘરવા ગામના સર્વે નં. ૫૨૧ની જમીન અંગે મૂળ પ્રમોલગેશન નોંધ નં. ૧૬૬૦ મુજબ સ્વ. જાડેજા ભીખુભા ભુરુભાના નામે જમીન પુનઃસ્થાપિત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત અગાઉના હુકમના આધારે થયેલી ઉતરોત્તર નોંધો નં. ૨૧૨૯, ૩૫૧૭, ૫૧૦૬, ૩૭૭૨, ૫૧૦૯, ૫૧૧૩, ૫૦૬૭, ૫૪૫૭, ૫૪૫૮ અને ૫૭૧૯ પણ સંબંધિત જમીન પૂરતી રદબાતલ ઠેરવવામાં આવી છે.
વિવાદ દરમિયાન થયેલા વેચાણ પર પણ અસર
કેસની કાર્યવાહી ચાલુ હતી તે દરમિયાન શાંતિલાલ તારાચંદ મહેતાના અવસાન બાદ તેમના વારસદારોએ વિવાદિત ગણાતી જમીન અન્ય વ્યક્તિઓને વેચી હોવાની બાબત પણ કેસમાં સામે આવી હતી. આ જમીનના ખરીદદારોમાં મોરબીના નાની વાવડી તથા બોટાદના લાઠીદળ ગામના ચાર આસામીઓનો સમાવેશ થતો હોવાનું જણાવાયું છે.
કલેક્ટર કોર્ટના આદેશના પરિણામે આ ખરીદદારોના નામે થયેલી વેચાણ નોંધો પણ રદ કરવામાં આવી છે. પરિણામે, અગાઉના હુકમોના આધારે થયેલા વ્યવહારોની મહેસૂલી નોંધો પર પણ આ ચુકાદાની અસર પડી છે.
મોરબી જિલ્લા કલેક્ટર કોર્ટ દ્વારા આપવામાં આવેલો આ ૩૮ પાનાનો ચુકાદો વાઘરવા ગામની વિવાદિત જમીનના મહેસૂલી રેકર્ડને લઈને મહત્વપૂર્ણ બન્યો છે. ચુકાદા બાદ તત્કાલીન હળવદ પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવેલા ફેરફારો રદ થતાં મૂળ પ્રમોલગેશન નોંધ મુજબ જમીનના હક્કને પુનઃસ્થાપિત કરવાનો માર્ગ મોકળો થયો છે.
