HMPV વાઇરસની અસર: રાજકોટમાં બાળકોને માસ્ક પહેરી શાળાએ મોકલવા સૂચના…
રાજકોટના શાળા સંચાલકોએ આપ્યો મેસેજ: શરદી-ઉધરસ કે ઇન્ફેક્શન હોય તો સ્કૂલે ન મોકલવા અપીલ
ગુજરાતમાં પણ તાજેતરમાં જ આ રોગના કેસ નોંધાયા છે જેના પગલે રાજ્યના આરોગ્ય વિભાગે તો સાવચેતી માટેની એક ગાઈડલાઈન જાહેર કરી હતી.
શાળા-કોલેજોમાં શિક્ષણ વિભાગે કોઈ ગાઈડલાઈન કે સૂચનો જાહેર કર્યા નથી, પરંતુ રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે તમામ વાલીઓને બાળકોને માસ્ક પહેરીને જ શાળાએ મોકલવા સૂચના આપી છે. રાજકોટના શાળા સંચાલકોએ ‘પેનિક નહિ પ્રિકોશન’ સાથે પેરેન્ટ્સને મેસેજ આપ્યો છે જેમાં તેમણે કહ્યું છે કે, બાળકોને શાળાએ માસ્ક પહેરીને મોકલવા અને વધુ શરદી-ઉધરસ કે ઇન્ફેક્શન હોય તો સ્કૂલે ન મોકલવા અપીલ કરી છે.
HMPV વાઇરસની ભારતમાં એન્ટ્રી થઈ છે, જેમાં બેંગલુરુ અને ગુજરાતના અમદાવાદમાં કેસ નોંધાયા હતા. બાળકોને આ વાઈરસની વધુ અસર થઈ રહી છે. સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકોને પણ આ ચેપ લાગી શકે છે. જોકે શિક્ષણ વિભાગે બાળકો માટે કોઈ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી, પરંતુ કેટલીક ખાનગી સ્કૂલોએ તકેદારીના ભાગરૂપે સ્કૂલ માટે જાતે જ ગાઈડલાઇન બનાવી છે, જેનું શાળાઓ દ્વારા પાલન પણ કરાવવામાં આવી રહ્યું છે. જ્યારે HMPV વાઇરસથી ચેપ લાગે છે, ત્યારે દર્દીમાં શરદી અને કોવિડ-19 જેવા લક્ષણો હોવાથી વાલીઓમાં પણ ડર ફેલાયો છે. આ વાઈરસની સૌથી વધુ અસર નાના બાળકો પર જોવા મળી રહી છે. આમાં 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત છે.
રાજકોટમાં પણ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતાએ જણાવ્યું કે, તમામ ખાનગી શાળાના ટ્રસ્ટી-પ્રિન્સિપાલને આ વાઈરસ અંગે વાલીઓને સૂચના આપવા જણાવ્યું છે. વાલીઓને સંદેશ અપાયો છે કે, HMPV વાઇરસને પગલે વાલીઓએ ‘પેનિક નહિ પ્રિકોશન’ રાખવા જણાવ્યું છે. બાળકોને માસ્ક પહેરાવવા અને વધુ શરદી-ઉધરસ કે ઇન્ફેક્શન હોય તો સ્કૂલએ ન મોકલવા પણ અપીલ કરી છે.
શહેર અને જિલ્લાની કેટલીક ખાનગી સ્કૂલોમાં શરદી, ખાંસી કે તાવને કારણે બાળક ગેરહાજર હોય તો વાલીઓને બાળક જ્યાં સુધી સાજું ન થાય ત્યાં સુધી ઘેર રાખવા જ સૂચના આપવામાં આવી છે. સ્કૂલમાં અભ્યાસ કરતા કોઈ બાળકને સ્કૂલમાં શરદી, ખાંસી જેવાં લક્ષણ દેખાય તો તેને ઘરે મોકલી દેવામાં આવે છે અને જ્યાં સુધી તબિયતમાં સુધારો ન થાય ત્યાં સુધી સ્કૂલે ન આવવા મેસેજ આપ્યા છે.
છેલ્લા કેટલાક સમયથી કાતિલ ઠંડીનો માહોલ છવાયો છે. આ વાઇરસ પણ ઠંડીમાં અને બાળકોને વધુ અસર કરતો હોવાથી સાવચેતીના ભાગરૂપે શહેર અને જિલ્લાની તમામ ખાનગી શાળાઓ દ્વારા વાલીઓને મેસેજ મોકલીને બાળકોને માસ્ક પહેરવા અને અન્ય સાવચેતી રાખવાની બાબતોની સૂચના આપી છે.

