બાળકોના આરોગ્ય માટે દુકાનદારોએ સ્વૈચ્છિક રીતે પડીકાનો નાસ્તો વેચવાનું કર્યું બંધ
વાંકાનેર, તા. 30 : વાંકાનેર તાલુકાના નાનકડા એવા પ્રતાપગઢ ગામે બાળકોના સ્વાસ્થ્યને કેન્દ્રમાં રાખીને એક પ્રશંસનીય અને પ્રેરણાદાયી પહેલ કરી છે. ગામના તમામ દુકાનદારોએ સ્વૈચ્છિક રીતે પડીકામાં વેચાતા નાસ્તા (પેકેટ ફૂડ)નું વેચાણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ગામના આ નિર્ણયને ગ્રામજનો દ્વારા પણ આવકાર મળ્યો છે.
તાજેતરમાં પાંચદ્વારકા ગામે બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને ગામમાં પડીકાનો નાસ્તો વેચવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. ગામના દુકાનદારોએ અને ગ્રામજનોએ આ નિર્ણયનો સ્વીકાર કરીને સમાજહિતમાં અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
હવે એ જ સારા વિચારનું અનુકરણ પ્રતાપગઢ ગામે પણ કરવામાં આવ્યું છે. ગામના તમામ દુકાનદારોએ કોઈપણ પ્રકારના દબાણ વગર સ્વૈચ્છિક રીતે આ નિર્ણય અપનાવી બાળકોના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી છે.
પોસ્ટરમાં પણ ગામ દ્વારા સંદેશ આપવામાં આવ્યો છે કે “સ્વસ્થ બાળક, સ્વસ્થ પરિવાર અને સ્વસ્થ ગામ”ના ઉદ્દેશ સાથે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ ગામના જાગૃત અને જવાબદાર દુકાનદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
પ્રતાપગઢ ગામની આ પહેલથી હવે તાલુકાના અન્ય ગામો પણ પ્રેરણા લઈ આવા સમાજહિતના નિર્ણયો તરફ આગળ વધે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગામના દુકાનદારોએ બતાવેલી સામાજિક જવાબદારી બાળકોના સ્વસ્થ ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ અને અનુસરવા જેવી પહેલ તરીકે જોવામાં આવી રહી છે.

