ગુજરાત

ભાજપના જ ધારાસભ્યનો સરકાર સામે બળવો: ‘જાદર તાલુકાની રચના નહીં થાય તો ઈડરમાં વિસાવદરવાળી થશે!’


ઈડર/ગાંધીનગર: ગુજરાત સરકારે તાજેતરમાં નવા ૧૭ તાલુકાઓની રચના કરી હોવા છતાં, જાદર તાલુકાની વર્ષો જૂની માગણી પૂરી ન થતાં હવે ભાજપમાં જ મોટો આંતરિક વિરોધ શરૂ થયો છે. ઈડરના ભાજપના સિનિયર ધારાસભ્ય રમણલાલ વોરાએ આ મામલે જાહેરમાં પોતાની જ સરકાર અને સ્થાનિક

પક્ષના સંગઠન સામે બળવો પોકાર્યો છે. ‘વિસાવદરવાળી’ થવાની ચીમકી
જાદર તાલુકાની માગણી અદ્ધરતાલ રહેતા ધારાસભ્ય રમણલાલ વોરાએ આક્રોશ વ્યક્ત કરતાં સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો તાત્કાલિક જાદર તાલુકાની રચના નહીં થાય તો ‘ઈડરમાં વિસાવદરવાળી થશે!’
નોંધનીય છે કે, ‘વિસાવદરવાળી’ શબ્દ રાજકીય વર્તુળોમાં ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે વિસાવદરમાં ભાજપના જ ઉમેદવારની હાર બાદ સ્થાનિક નેતાઓએ પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી હતી. રમણલાલ વોરાની આ ચીમકીથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

સ્થાનિક સંગઠન પર પણ નિશાન
રમણલાલ વોરાએ માત્ર સરકાર પર જ નહીં, પરંતુ ભાજપના સ્થાનિક સંગઠન પર પણ આકરા પ્રહારો કર્યા હતા અને સંગઠનની નિષ્ફળતાને આ વિરોધ માટે જવાબદાર ઠેરવી હતી. સરકારે ૨૪ સપ્ટેમ્બરે નવા ૧૭ તાલુકાઓની રચના કરી હોવા છતાં તેમાં જાદરનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો, જેનાથી સ્થાનિક લોકો અને કાર્યકરોમાં ભારે નારાજગી ફેલાઈ છે.

આ ઘટનાના વિરોધમાં ભાજપના ૧૦૦થી વધુ સક્રિય કાર્યકરોએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. સિનિયર ધારાસભ્યના ખુલ્લા વિરોધ અને કાર્યકરોનાં રાજીનામાંને કારણે ભાજપ માટે ઈડરની રાજકીય સ્થિતિ વણસતી જણાઈ રહી છે.

આ સમાચારને શેર કરો