જો ચાઈનીઝ દોરી સાથે પકડાયા તો ઉત્તરાયણના જલસા જેલમાં..!!
ગુજરાતમાં તાત્કાલિક અસરથી ચાઈનીઝ દોરીના ખરીદ વેચાણ પર પ્રતિબંધ લગાવાયો છે. સીએમ વિજય રૂપાણીએ ચાઈનીઝ દોરીના ખરીદ વેચાણ પણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. ઉત્તરાયણ દરમિયાન ચાઈનીઝ ટુક્કલ, ચાઈનીઝ દોરી અને પ્લાસ્ટિક દોરીના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકાયા છે. ઉત્તરાયણ નજીક હોવાથી ચાઈનીઝ દોરીથી થતા અકસ્માતો નિવારી શકાય તે માટે સરકારે આ નિર્ણય કર્યો છે. સીઆરપીસી કલમ અંતર્ગત સત્તા મળતાં પોલીસ હવે કાયદાકીય કાર્યવાહી કરશે. એટલે ચાઈનીઝ દોરી ખરીદતા કે વેચતા પકડાયા તો ઉત્તરાયણ હવે જેલમાં જશે એ નક્કી છે. પોલીસ આ વર્ષે એલર્ટ બને તેવી પૂરી સંભાવના છે.
મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણીએ ચાઈનીઝ તુક્કલ અને ચાઈનીઝ માંઝા પ્લાસ્ટિક દોરીના ઉપયોગ ઉપર સમગ્ર રાજ્યમાં તાત્કાલિક અસરથી સી આર પી સી અને ગુજરાત પોલીસ અધિનિયમ અન્વયે કાર્યવાહી કરવા આદેશ કર્યો. રાજ્યમાં ઉતરાયણના તહેવારો દરમ્યાન ચાઈનીઝ તુક્કલ અને માંઝા દોરીથી અકસ્માતે થતી માનવ અને પશુ પક્ષીઓની જાનહાનિ અને ઈજાઓ નિવારવાના સંવેનશીલ ભાવથી નિણર્ય લેવાયો.
પક્ષીઓ માટે તો જીવલેણ પણ માણસના જીવ મૂકાતા જોખમમાં
ચાઈનીઝ દોરી પક્ષીઓ માટે જીવલેણ છે જ પરંતુ આ દોરીથી માણસોના પણ જીવ જોખમમાં મુકાય છે. જેથી ચાઈનીઝ દોરી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવા માટે કવાયત તેજ કરવામાં આવી છે. ઉત્તરાયણના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યાં હોવાથી લોકો પતંગ અને દોરીની ખરીદીમાં લાગી ગયા છે. એટલું જ નહીં ચોરી-છુપીથી ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ સામે પોલીસ હવે લાલ આંખ કરીને તપાસ કરશે એ નક્કી છે. દર વર્ષે હજારો પક્ષીઓ સાથે ઘણા લોકોના ગળા કપાય છે. જેને પગલે પોલીસે આ વર્ષે કડક હાથે કાર્યવાહી કરવાની જરૂર છે. દર વર્ષે જાહેરનામા બહાર પડે છે આમ છતાં ચાઈનીઝ દોરીનું વેચાણ થાય છે. પોલીસના જાહેરનામા ફક્ત ફિયાસ્કા બની રહે છે. પોલીસે પણ હવે કાયદાનો અમલ કરાવવા માટે કડક બનવાની જરૂર છે.
પોલીસ કાર્યવાહી કરે કે ના કરે પતંગરસિયાઓએ ટાળવી પડશે ખરીદી
પતંગરસિયાઓએ પણ ઈમાનદારીપૂર્વક ચાઇનીઝ દોરી ખરીદશું જ નહીં એ પ્રકારે સંકલ્પબદ્ધ થવું અનિવાર્ય છે. એ સિવાય આ ‘જીવલેણ દૂષણ’ દૂર કરી શકવું અઘરું છે. ગેરકાયદે વેચનારા અને ખરીદનારા સમજે કે આ ચાઇનીઝ દોરી ‘કમોતનું કારણ’ બની રહી છે અને તેમાં આપણે ભાગીદાર થવું નથી એવી મૂળભૂત માણસાઇ દાખવે એ સમયની પણ માગ છે !
પોલીસે કરી હતી ગત વર્ષે પણ આ અપીલ
ઉતરાણના તહેવારોમાં ખાસ કરીને પક્ષીઓ સવારે ૬થી ૮ અને સાંજે ૫થી ૭ દરમિયાન માળામાં આવતા જતા હોવાથી આ સમયે પતંગ ઉડાડવાનું ટાળવા વિનંતી ગત વર્ષે પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે. જોકે, પતંગ રસિકો આ સમયે જ સૌથી વધારે ધાબા પર હોય છે. આ તહેવાર હોવાથી પોલીસ પણ આ બાબતે આંખઆડા કાન કરે છે.