Placeholder canvas

મે મારી જિંદગીમાં કદી કોઈને તુકારો પણ આપ્યો નથી -મોહન કુંડારિયા

મોરબી : વાંકાનેરના ભાજપ અગ્રણી જીતુ સોમાણી દ્વારા ગઈકાલે સાંસદ, પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા ભાજપ અધ્યક્ષ સામે કરાયેલા આક્ષેપો બાદ આજે સાંસદ મોહનભાઇ કુંડારિયાએ આ આક્ષેપોને પાયા વિહોણા ગણાવી જલારામ બાપા જીતુભાઈને સત્ય બોલવાની પ્રેરણા આપે તેવી પ્રાર્થના કરતા જણાવ્યું હતું કે જીતુભાઇ ચાર દિવસ પહેલા તેમના ઘરે આવ્યા હતા અને હસતા મોઢે ચર્ચાઓ કરી હતી અને અચાનક જ આવું વર્તન શા માટે… પોતે કરેલી ભૂલ બીજા ઉપર નાખવા જ આવા આક્ષેપો કર્યાનું મોહનભાઈએ આજે મીડિયા સમક્ષ સાફ-સાફ શબ્દોમાં જણાવી ધમકી તો દૂર તેઓએ ક્યારેય કોઈને તુકારો પણ આપ્યો ન હોવાનું તેમને ઉમેર્યું હતું.

વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં 60 વર્ષની ઉંમર અને સતત ત્રણ ટર્મ ચૂંટણી લડવાની ગાઈડ લાઇનના ભંગ બદલ વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દિનુભાઈ વ્યાસને જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજી દેથરીયા દ્વારા નોટિસ આપવામાં આવતા ગઈકાલે વાંકાનેર ભાજપ અગ્રણી અને ચૂંટાયેલા સભ્ય જીતુભાઇ સોમણીએ જિલ્લા ભાજપ અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય તેમજ સાંસદ મોહનભાઇ કુંડારિયા વિરુદ્ધ બેફામ આક્ષેપ કર્યા હતા.

આ મામલે આજે સાંસદ મોહનભાઇએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે પોતાના 35 વર્ષના રાજકારણના જાહેર જીવન દરમિયાન નગરપાલિકાના સભ્યથી લઈ ધારાસભ્ય, સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના પદ ઉપર તેઓ રહ્યા છે પરંતુ આજદિન સુધીમાં કોઈને નારાજગી થાય તેવા શબ્દ તેઓ કદી બોલ્યા ન હોવાનું જણાવી ધમકીની ભાષા તો ઠીક ક્યારેય કોઈને તુકારો આપીને વાત કરવી તેમના સ્વભાવમાં ન હોવાનું જણાવ્યું હતું.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જીતુભાઇ કહે છે કે મારો સ્વભાવ ડંખીલો છે તો મારા રાજકોટ, ટંકારા, મોરબી, પડધરી, લોધિકા, વીંછીયા સહિતના મતવિસ્તારના મારા મતદારભાઈઓને પૂછો કે મારો સ્વભાવ કેવો છે.

વધુમાં તેમને વાંકાનેર પાલિકામાં પાર્ટીની ગાઈડલાઈનના ભંગ મામલે જણાવ્યું હતું કે, 60 વર્ષની ઉંમર અને ત્રણ ટર્મ ચૂંટણી લડી હોય તેમને ઉમેદવારી નહિ કરવાનો પાર્ટીનો નિયમ તમામ કાર્યકર્તાઓની ફરજ છે,ત્યારે આ નિયમનો જીતુ સોમણીએ ભંગ કર્યો છે ત્યારે પોતે પાર્લામેન્ટરી બોર્ડમાં કે અન્ય કોઈ હોદા ઉપર ન હોય તેમને આ બાબતે કોઈ પ્રશ્ન નથી પરંતુ પાર્ટી ગાઈડલાઈનનું પાલન તમામ માટે ફરજરૂપ હોવાનું જણાવી જીતુભાઈએ કરેલી ભૂલ ઢાંકવા આવા આક્ષેપ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દીનુભાઈ પણ તેમના મિત્ર હોવાનું ઉમેરી ખોટા આક્ષેપ કરનાર જીતુંભાઈ સોમણીને જલારામ બાપા સત્ય બોલવાની પ્રેરણા આપે તેવું અંતમાં તેમને જણાવ્યુ હતુ.

આ સમાચારને શેર કરો