વાલીઓએ ચેતવા જેવુંઃ માત્ર 40 રૂપિયા માટે વિદ્યાર્થીએ પોતાના હાથમાં શાર્પનરની બ્લેડથી કાપા માર્યા…!!!
બગસરાના મોટા મુંજિયાસરની પ્રાથમિક શાળામાં વીડિયો ગેમના રવાડે ચડેલા એક બાળકે સાથી છાત્રોને હાથ પર બ્લેડના કાપા કરે તો 10 રૂપિયા આપવાની વાત કહેતા 40 છાત્રોએ પોતાના હાથ પર પેન્સિલના શાર્પનરથી પોતાને ઘાયલ કરી લીધા હતા. શિક્ષકોએ આઠ દિવસ મામલો છુપાવ્યા બાદ આખરે હવે ઘટના પોલીસ સુધી પહોંચી છે.
મળતી માહિતી મુજબ, મોટા મુંજિયાસરની શાળામાં 300 છાત્રો અભ્યાસ કરે છે અને આસપાસનાં ગામોમાંથી પણ અહીં છાત્રો આવે છે. ધોરણ 7મા ભણતો એક છાત્ર બગસરાથી આવે છે. જેણે વીડિયો ગેમમાંથી પ્રેરણા લઇ પોતાના ધોરણના સાથી છાત્રોને જો બ્લેડથી તમારા હાથ પર કાપા કરો તો તમને 10 રૂપિયા આપું અને ન કરો તો તમારે મને 5 રૂપિયા આપવાના તેવી વાત કરી હતી. જેના પગલે માસૂમ ભુલકાઓ પેન્સિલના શાર્પનરની બ્લેડ બહાર કાઢી હાથ પર કાપા મારવા લાગ્યા હતા. બાદમાં તેમાં ધોરણ 5ના છાત્રો પણ જોડાયા હતા. અને જોતજોતામા શાળાના 40 છાત્રોએ પોતાના હાથ પર શાર્પનરથી અનેક કાપા કરી ખુદને ઘાયલ કરી લીધા હતા.
શાળાના સંચાલકો સુધી આ વાત પહોંચતા તેમણે વાલીને જાણ કરવાને બદલે છાત્રોને એવી સૂચના આપી હતી કે ઘરે કોઇને વાત કરતા નહીં. જેને પગલે માસૂમ છાત્રોએ પરિવારને જાણ કરી ન હતી. જે કોઇ વાલીએ પૂછપરછ કરી તેમને રમતાં રમતાં વાગી ગયું છે તેવો જવાબ મળ્યો છે. પરંતુ એક વાલી સુધી સમગ્ર ઘટનાની વાત પહોંચતા સ્કૂલમાં જઇ પૂછપરછ કરાઇ હતી.
મામલો બહાર આવતા આખરે શાળાના પ્રિન્સિપાલ દ્વારા વાલી મિટિંગ પણ બોલાવવામાં આવી હતી અને છાત્રો પાસે અમારી ભૂલ થઇ ગઇ, હવે આવું નહીં કરીએ એવું લખાણ લેવાયું હતું. જો કે ગામના સરપંચ જયસુખ ખેતાણી ઉપરાંત રસિક રાઠોડ, શૈલેષ સતાસિયા, મયૂર પરમાર, રહેમ પરમાર, મનુભાઇ રાઠોડ, એન.એન.રાઠોડ, ડી.એમ.ચૌહાણ વગેરેએ આજે બગસરા પોલીસ મથકે દોડી જઇ બાળકોના હાથ પર બ્લેડથી થયેલા હુમલા અંગે ઊંડી તપાસની માંગણી કરી હતી.


