ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા આક્રમક રજૂઆત: રાજકોટ-વાંકાનેર રૂટની બસોમાં બેસુમાર ગંદકી
રાજકોટ: ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા આજે તા. ૦૬/૧૧/૨૦૨૫ ના રોજ રાજકોટ અને વાંકાનેર વચ્ચે દોડતી ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (GSRTC)ની બસોમાં પ્રવર્તતા ગંભીર સ્વચ્છતાના અભાવ અંગે આક્રમક રજૂઆત કરવામાં આવી છે. સમિતિના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલાએ રાજકોટ ડેપો મેનેજરને રૂબરૂ મળીને એસ.ટી. તંત્રને ઢંઢોળ્યું હતું.
🚍 ‘મુસાફરોને બદલે ઘેટાં-બકરાં ભરવાના હોય’ તેવી ગંદકી!
સમિતિએ કરેલી અખબારી યાદી મુજબ, રાજકોટ-વાંકાનેર-રાજકોટ રૂટ પર દર અડધી કલાકે મળતી બસોમાં બેસુમાર ગંદકી અને સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે. તહેવારોમાં એસ.ટી. તંત્રે ધૂમ કમાણી કરી હોવા છતાં, બસોની નિયમિત સફાઈ કરવામાં આવતી નથી, જેના કારણે વડાપ્રધાનના ‘સ્વચ્છ ભારત અભિયાન’નું સુરસુરિયું થઈ ગયું છે.
ગજેન્દ્રસિંહ ઝાલાએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, બસોમાં જાણે કે મુસાફરોને બદલે ઘેટાં-બકરાં ભરવાના હોય તે પ્રકારે ગંદકીગ્રસ્ત સ્થિતિ જોવા મળે છે. સમિતિ કોઈપણ સંજોગોમાં આ પ્રકારની ગંદી બસો ચાલવા દેશે નહીં.

🗑️ બસોમાં પાણીની બોટલોના ઢગલા અને ધૂળના થપાઓ
સમિતિના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલાએ તાજેતરમાં બે બસમાં ગંદકીનો જાત અનુભવ કરી ફરિયાદ નોંધાવી હતી:
સાંજે 7:15ની બસ (GJ-18-Z 7905): આ બસની ગેલેરીમાં પાણીની ખાલી એકાદ ડઝન જેટલી બોટલો પડેલી હતી. ગજેન્દ્રસિંહ ઝાલાએ પોતે આ તમામ બોટલો કચરાપેટીમાં મૂકી, પરંતુ કચરાપેટી સંપૂર્ણપણે ભરાઈ ગઈ હતી, જે સ્વચ્છતાના અભાવને દર્શાવે છે.
સવારે 10:00ની બસ (GJ-18-Z 7404 – વાંકાનેર ડેપો): આ બસમાં મુસાફરો જ્યાં સામાન રાખે છે, તે જગ્યાએ પાણીની ખાલી બોટલોના ઢગલા જોવા મળ્યા હતા. ઉપરાંત, ઉપરના ભાગે અઠવાડિયાથી સફાઈ ન થઈ હોય તે પ્રકારે ધૂળના રજકણો અને ધૂળના થપાઓ જોવા મળ્યા હતા, જેના કારણે મુસાફરોનો સામાન પણ ધૂળધાણી થાય તેવી સ્થિતિ હતી.
⚖️ ‘કાયદો દરેક માટે સમાન હોવો જોઈએ’: અધિકારીઓ સામે દંડની માંગ
ગજેન્દ્રસિંહ ઝાલાએ વ્હોટ્સએપ દ્વારા ફોટા મોકલીને ડેપો મેનેજરને ફરિયાદ કરી હતી. અગાઉ પૂર્વ ડેપો મેનેજરને પણ આ બાબતે રજૂઆત કરવા છતાં આંખમિચામણા કરાયા હોવાનો આક્ષેપ સમિતિએ કર્યો હતો.
ડેપો મેનેજરનું વલણ: ફરિયાદના પગલે ડેપો મેનેજરે હકારાત્મક વલણ અપનાવ્યું હતું અને જણાવ્યું હતું કે સવારની બસો વહેલી ઉપડી જતી હોવાથી સફાઈ થઈ ન હોય, પરંતુ હવે આ બાબતે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
સમાન દંડની માંગ: સમિતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે એસ.ટી. તંત્ર દ્વારા ગંદકી કરનારા મુસાફરોને દંડ કરવામાં આવે છે, જે આવકાર્ય છે, પરંતુ કાયદો દરેક માટે સમાન હોવો જોઈએ.
“જો મુસાફરોને દંડ થતો હોય, તો કરોડોના કોન્ટ્રાક્ટ રાખનાર મળતીયાઓ સામે તેમજ ગંદકી સામે આંખમિચામણા કરનાર એસ.ટી.ના અધિકારીઓ સામે પણ દંડનીય કાર્યવાહી થવી જોઈએ.”
સમિતિએ અંતમાં માંગ કરી હતી કે બસમાં રહેલી ગંદકી અંગે જવાબદારી (Responsibility) ફિક્સ થવી જોઈએ.
રજૂઆત કરનારા:
ગજેન્દ્રસિંહ ઝાલા (પ્રતિનિધિ, ગુજરાત), એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ બોરડ, પ્રવીણભાઈ લાખાણી, અને એસ.પી. રાજાણી.

