જુલાઈમાં થનાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી કઈ રીતે થાય છે? ચાલો જાણીએ…
ભારતના 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી 18મી જુલાઈએ થશે: સતાધારી એનડીએ અને વિપક્ષી ગઠબંધન યુપીએ સાથે ક્ષેત્રીય દળો પણ પુરા જોશ સાથે જોડાયા છે: તૃણમુલ કોંગ્રેસની સુપ્રીમો મમતા બેનર્જી કોઈ બિન-કોંગ્રેસી વિપક્ષના સંયુક્ત ઉમેદવાર બનાવવાની કોશિશોમાં છે. સંવિધાન મુજબ હાલના રાષ્ટ્રપતિનો કાર્યકાળ પુરો થવા પહેલા નવી ચૂંટણી થઈ જવી જોઈએ તો ચાલો જાણીએ આ ચૂંટણી કઈ રીતે થાય છે…
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મત આપી શકે?
રાષ્ટ્રપતિને જનતા સીધી નથી ચૂંટતી. આ ચૂંટણીમાં સાંસદ અને ધારાસભ્ય વોટ નાખે છે જેને ઈલેકટોરોલ કાલેજ કહે છે, જેઓ લોકસભા, રાજયસભા અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો હોય છે, તેમને દરેકને ઈલેકટર કહે છે. કોઈ સંસદના નોમિનેટેડ સભ્ય આ ચૂંટણીનો ભાગ નથી હોતા, કારણ કે તેમને જનતા નથી ચૂંટતી.
ચૂંટણી જીતવા માટે કેટલા મત જોઈએ?:
કુલ માન્ય વોટની વેલ્યુમાંથી જીત માટે અડધાથી વધુ વોટ હાંસલ કરવા જરૂરી છે. તેના કોટા કહેવામાં આવે છે. માની લો કે દરેક ઈલેકટેર વોટ નાખ્યો છે અને બધા વોટ માન્ય છે. આ સ્થિતિમાં સાંસદોના વોટની કુલ વેલ્યુ 5,43,200 અને ધારાસભ્યોના વોટની વેલ્યુ 5,43,231 છે.આ બન્નેનો યોગ 10,86,431 થશે. જીત માટે અડધાથી વધુ અર્થાત 5,43,216 વોટ જોઈશે.
ચૂંટણીમાં વોટનું મૂલ્ય કઈ રીતે થાય છે?:
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દરેક સાંસદના વોટની વેલ્યુ હોય છે, પછી ભલે સંસદીય ક્ષેત્ર નાનુ હોય કે મોટું, પરંતુ ધારાસભ્યના વોટની વેલ્યુ અલગ-અલગ હોય છે. જે તે રાજયની વસ્તીના આધારે નકકી થાય છે. આ દ્દષ્ટિએ યુપીમાં એક ધારાસભ્યની વેલ્યુ સૌથી વધુ 208 છે, જયારે સિકકીમમાં ધારાસભ્યના વોટની વેલ્યુ સૌથી ઓછી 7 છે. દેશમાં જે રાજયોએ વસ્તી નિયંત્રણમાં સારું કામ કર્યું છે, તેના ધારાસભ્યોના વોટોની વેલ્યુ ન ઘટે એટલે 1971ની વસ્તી ગણતરીને જ ધારાસભ્યોના વોટની વેલ્યુ નકકી કરવાને આધાર બનાવાયો છે, જે 2026 સુધી રહેશે.
સાંસદ, ધારાસભ્યના વોટની વેલ્યુ કેવી રીતે નકકી થાય ?:
ચૂંટાયેલા ધારાસભ્યોની કુલ વેલ્યુ (5,43,231)માં જો કુલ સાંસદોની સંખ્યા (776)ને ભાગી નાખો તો એક સાંસદના વોટની વેલ્યુ 700 નીકળે છે. સાંસદોની કુલ વોટ વેલ્યુ 700 બાય 776 અર્થાત 5,43,200 થશે. આ રીતે રાજય/કેન્દ્ર શાસીત પ્રદેશની વસ્તીમાં તેના ધારાસભ્યોને ભાગી નાખો અને જે રકમ આવે તેને ફરી 1000થી ભાગી નાખો તો ધારાસભ્યના 1 વોટની વેલ્યુ આવે છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત કેવી રીતે આપવામાં આવે છે ?
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત ઈવીએમથી નહીં, બેલેટ પેપરથી નાખવામાં આવે છે. દરેક બેલેટ પેપર પર રાષ્ટ્રપતિ ચૂંટણી લડી રહેલા બધા ઉમેદવારોના નામ હોય છે ઈલેકટર્સ (ચૂંટાયેલા સાંસદ-ધારાસભ્ય) સૌથી પસંદગીના ઉમેદવારના નામની આગળ 1, બીજા પસંદગીના ઉમેદવારના નામની આગળ 2 આ રીતે પસંદગી અનુસાર 3,4,5 લખીને ઉમેદવારની માર્કીંગ કરે છે, આથી તેને પ્રેફરેન્સેબલ વોટીંગ કહે છે.
બેલેટ પેપર કેવા રંગના હોય છે?:
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સાંસદોને લીલા રંગનું અને ધારાસભ્યોને ગુલાબી રંગનું બેલેટ પેપર આપવામાં આવે છે. બધા સાંસદ અને ધારાસભ્ય દરેક પોલીંગ સ્ટેશને એક જ રંગની શાહી અને એક જ પેનનો ઉપયોગ કરે છે. અલગ રંગની શાહી/પેનના ઉપયોગ પર વોટ અમાન્ય માનવામાં આવે છે. આ સિક્રેટ બેલેટ હોય છે. અલગ પેનના ઉપયોગથી એ ખબર પડી જવાનો ખતરો છે કે કયા ધારાસભ્ય/સાંસદને કોને વોટ આપ્યો છે.
ચૂંટણીમાં મતગણતરી કેવી રીતે થાય છે?:
પહેલા રાઉન્ડમાં માત્ર પહેલી પસંદની માર્કીંગ વાળા વોટની ગણતરી થાય છે. જો કોઈ ઉમેદવારને પહેલા રાઉન્ડમાં જ નિશ્ચિત વેઈટેજ મળ્યું તો તેને વિજેતા જાહેર કરવામાં આવે છે, જો પહેલા રાઉન્ડમાં નિશ્ચિત કોટા નથી મળતો તો બીજા રાઉન્ડની ગણતરી થાય છે. બીજા રાઉન્ડમાં સૌથી ઓછા વોટ મેળવનાર ઉમેદવાર બહાર થઈ જાય છે. અને તેના વોટ અન્ય ઉમેદવારને ટ્રાન્સફર કરવામાં આવે છે. અર્થાત આ વોટ દરેક બેલેટમાં સેકન્ડ પ્રેફરન્સ માર્કીંગ વાળા ઉમેદવારના વોટમાં જોડી દેવામાં આવે છે, આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલતી રહે છે, જયાં સુધી માત્ર એક ઉમેદવાર બાકી નથી રહેતો.
આશા છે કે આપને આ મહામહિમ રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા થોડી અલગ છે અને તે ઘણાં બધાં લોકોને ખબર હોતી નથી અહીં તેમની માહિતી આપવાની અમે કોશિશ કરી છે અને આશા છે કે કપ્તાનના વાચકોને આ ચૂંટણી પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી મળી હશે અને તે સમજાણી પણ હશે.