સૌરાષ્ટ્ર

સનસનીખેજ હનીટ્રેપ: નિવૃત્ત રેન્જ ફોરેસ્ટ ઓફિસરને ફસાવી અંગત વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ₹૪૦ લાખની ખંડણી માંગી

જૂનાગઢમાં રહેતા એક નિવૃત્ત સરકારી અધિકારીને હનીટ્રેપમાં ફસાવી અંગત પળોનો વીડિયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપી ₹૪૦ લાખની માતબર રકમની ખંડણી માંગવાનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુવતી સહિત ત્રણ આરોપીઓની ટોળકી વિરુદ્ધ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ફેસબુક પર મિત્રતા, હોટલમાં મુલાકાત
પ્રાપ્ત વિગતો અનુસાર, જૂનાગઢમાં રહેતા અને વર્ષ ૨૦૧૭માં નિવૃત્ત થયેલા ૬૭ વર્ષીય રેન્જ ફોરેસ્ટ ઓફિસરને લગભગ એક વર્ષ પહેલાં ‘ઉર્મિલા’ નામની યુવતીની ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી હતી. આ રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ બંને વચ્ચે વોટ્સએપ પર વાતચીત શરૂ થઈ હતી. ઉર્મિલાએ પોતે એકલી હોવાનું જણાવી નિવૃત્ત અધિકારી સાથે આત્મીયતા કેળવી હતી. આ ઓળખાણ પાંચેક મહિના પહેલાં મુલાકાતમાં પરિણમી, જ્યારે ઉર્મિલા ફરિયાદીને રાજકોટની એક હોટલમાં લઈ ગઈ હતી અને ત્યાં બંનેએ અંગત પળો માણી હતી.

ગર્ભપાતનું નાટક અને ખંડણીનું કાવતરું
સમય જતાં, જૂન-૨૦૨૫ માં ઉર્મિલાએ ફરિયાદીને ફોન કરીને જણાવ્યું કે તે ગર્ભવતી છે અને તેને ગર્ભપાત (એબોર્શન) કરાવવા માટે રૂપિયાની જરૂર છે. ફરિયાદીએ ગુગલ-પે દ્વારા કટકે કટકે ઉર્મિલાને ઘણા રૂપિયા મોકલી આપ્યા હતા.
પરંતુ, ૨૫/૦૯/૨૦૨૫ ના રોજ આ કાવતરાનો પર્દાફાશ થયો. ફરિયાદીને એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ અને મેસેજ આવ્યો હતો, જેમાં કોલ કરનારે ધમકી આપી હતી કે તેમની પાસે ચોટીલાની હોટલનો અંગત વીડિયો છે અને તે વાયરલ ન કરવો હોય તો તાત્કાલિક ₹૪૦ લાખ ચૂકવી દેવા પડશે. રૂપિયા નહીં આપે તો વીડિયો પરિવારજનો અને મિત્રોમાં સોશિયલ મીડિયા દ્વારા વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી.

ટોળકીનો પર્દાફાશ: ત્રણ વિરુદ્ધ ફરિયાદ
ખંડણીની ધમકી મળતા ફરિયાદીએ આ બાબતે ઉર્મિલાને વાત કરી, ત્યારે ઉર્મિલાએ પણ તેને આવો કોલ આવ્યો હોવાનું જણાવી ₹૪૦ લાખ આપી દેવા માટે દબાણ કર્યું હતું. આખરે શંકા જતાં ફરિયાદીએ દબાણપૂર્વક પૂછપરછ કરતાં ઉર્મિલાએ કબૂલ્યું કે અંગત પળોનો વીડિયો તેણે પોતે જ પોતાના ફોનમાં ઉતાર્યો હતો અને આ વીડિયો તેણે તેની એક બહેનપણીને મોકલ્યો હતો.
ફરિયાદીના નિવેદન મુજબ, ઉર્મિલા, તેની બહેનપણી અને ખંડણી માટે કોલ કરનાર અજાણ્યા વ્યક્તિએ ભેગા મળીને ખોટી રીતે ફસાવીને આ હનીટ્રેપનું કાવતરું રચ્યું હતું અને ખંડણી માંગી હતી. પોલીસે નિવૃત્ત અધિકારીની ફરિયાદના આધારે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચારને શેર કરો