Placeholder canvas

રાજકોટ: હીરાસર એરપોર્ટની કામગીરી અંગે રિવ્યુ લેતા કલેક્ટર

રાજકોટ: રાજકોટની ભાગોળે નિર્માણાધીન ગ્રીનફીલ્ડ આંતરરાષ્ટ્રીય હીરાસર એરપોર્ટની કામગીરી અંગે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા એરપોર્ટ ઓથોરિટી સહિતના અધિકારીઓ સાથે ખાસ રિવ્યુ બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી હતી. તેની સાથોસાથ એરપોર્ટની આ નિર્માણ કામગીરી ઝડપભેર આગળ વધારવા માટે ટકોર કરી હતી.

અહીં એ ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય હીરાસર એરપોર્ટમાં હંગામી ટર્મિનલની કામગીરી પૂર્ણતાના આરે પહોંચી જવા પામી છે. આગામી 15-20 દિવસમાં જ આ કામગીરીને પરિપૂર્ણ કરી દેવામાં આવનાર છે. દરમિયાન 25 જેટલા આસામીઓની જમીન સંપાદનનો પ્રશ્ર્ન લટકી પડ્યો હોય આ મામલે આગામી તા. 15ના રોજ ગાંધીનગરથી ખાસ જમીન સંપાદન અધિકારી પૂજા બાવળા રાજકોટ આવનાર છે. તેઓ આ પ્રકરણમાં આસામીઓ સાથે ખાસ બેઠક આયોજીત કરનાર છે તેમજ જે આસામીઓ જમીન સંપાદન કરવા સહમતિ આપેલ છે તેઓને જંત્રી મુજબ વળતર ચૂકવવાની કામગીરી હાથ ધરાશે.

કેટલાક આસામીઓએ 3-3 વારસદારો દર્શાવેલ હોય જમીન સંપાદનનું આ કોકડુ થોડુ ગુંચવાયેલ છે. આ 25 જેટલા આસામીઓનું જમીન સંપાદન થયા બાદ એરપોર્ટની કામગીરી ગતિશીલ બનશે. જેમાં એરપોર્ટથી હાઈવે સુધીના રોડનું જે થોડુ કામ બાકી છે તેને પણ જમીન સંપાદન થતા જ પૂર્ણ કરી દેવામાં આવનાર છે. પીએમઓ કાર્યાલયની દેખરેખ હેઠળ ફરી આ પ્રોજેક્ટ ઝડપભેર પૂર્ણ થાય તે માટે ગતિ આપવામાં આવી રહી છે.

આ સમાચારને શેર કરો