Placeholder canvas

LLBમાં પ્રવેશના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિયમને માન્ય રાખતી હાઈકોર્ટ

બે પ્રયત્ને સ્નાતક પરીક્ષા ઉતીર્ણ કરી હોય તો ‘પાસ કલાસ’ જ ગણાય: ટકાવારી લક્ષ્યમાં ન લઈ શકાય

સ્નાતક કક્ષાએ વિદ્યાર્થી બે પ્રયાસે ઉતીર્ણ થાય તો તેને ‘પાસ કલાસ’ જ ગણાય અને પછી એલએલબીના કોર્ષમાં પ્રવેશ મેળવવા ટકાવારીની ગણતરીમાં ન લઈ શકાય તેવો અત્યંત મહત્વનો આદેશ ગુજરાત હાઈકોર્ટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેસમાં આપ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિયમને યોગ્ય ઠેરવ્યો હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ કેસમાં 2007માં એક વિદ્યાર્થી બીકોમની પરિક્ષામાં બે વિષયમાં નાપાસ થયો હતો. પ્રથમ પરિક્ષામાં પાસ થયો હોય તેવા વિષયોને બાદ કરીને બે વિષયોની પરીક્ષા ફરીથી આપી હતી અને તેમાં બીજા પ્રયત્ને પાસ થયો હતો. ત્યારબાદ યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજમાં એલએલબીમાં પ્રવેશ મેળવ્યો હતો. પરંતુ એલએલબીમાં પ્રવેશ માટે સ્નાતક કક્ષાએ ન્યુનતમ 45 ટકા માર્કન સાથે પરીક્ષા પાસ કરવાનો નિયમ હોવાથી પ્રવેશ સમીતીએ તેનો પ્રવેશ રદ કરી નાખ્યો હતો. કોલેજ દ્વારા પ્રવેશ રદ કરવા પાછળ યુનિવર્સિટીના 154 નંબરના નિયમને આગળ ધરવામાં આવ્યો હતો.

પ્રથમ પ્રયત્ને જ પરીક્ષા પાસ કરી ન હોવાથી ટકાવારીને લક્ષ્યમાં ન લઈ શકાય. વિદ્યાર્થી દ્વારા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના નિયમને આગળ ધર્યો હતો જે મુજબ 45 ટકા માર્કસ મેળવતા વિદ્યાર્થી એલએલબીમાં પ્રવેશ મેળવી શકે. પોતાના સરેરાશ 45.57 ટકા થતા હોવાથી પ્રવેશપાત્ર હોવાની દલીલ કરી હતી. હાઈકોર્ટના જસ્ટીસ વી.ડી.નાણાવટીએ સ્પષ્ટ કર્યુ કે બાર કાઉન્સીલના નિયમ યુનિવર્સિટીના નિયમોની ઉપરવટ નથી. બાર કાઉન્સીલ પરીક્ષા કે પરિણામ સાથે સંકળાયેલી છે તેના દ્વારા માત્ર કાયદા શાખામાં પ્રવેશ માપદંડ નકકી કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીએ બે પ્રયત્ને સ્નાતક પરીક્ષા પાસ કરી હોવાથી એલએલબીમાં પ્રવેશપાત્ર નથી.

એકથી વધુ પ્રયત્ને સ્નાતક પરીક્ષા પાસ કરતા વિદ્યાર્થીઓને દૂરગામી અસરકર્તા ચુકાદો ગણાય છે. ગુજરાત યુનિવર્સિટીમાં પણ અગાઉ સમાન નિયમ હતો. પરંતુ હવે બદલાવાયો છે અને એકથી વધુ પ્રયત્ને પાસ થતા વિદ્યાર્થીને પણ એલએલબીમાં પ્રવેશ અપાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેસમાં મોરબીના મધુસુદન પંડયાએ 2007માં થર્ડ બીકોમની પરીક્ષા આપી હતી. સાત પૈકી સ્ટેટેસ્ટીક તથા એકાઉન્ટસમાં નાપાસ થયા હતા. 2008માં ફરી આ બન્ને વિષયની પરીક્ષા આપીને પાસ થયા હતા. 2020માં તેઓએ એલએલબીમાં પ્રવેશ મેળવ્યો હતો. પરંતુ તે રદ કરી દેવાયો હતો એટલે મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.

આ સમાચારને શેર કરો