સૌરાષ્ટ્ર

રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાની મુશ્કેલી વધી, પૂર્વ MLA પોપટભાઈ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદની મુક્તિ આપવાના હુકમને હાઈકોર્ટે ફગાવ્યો

પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયા હત્યા કેસમાં રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને આજીવન કેદમાંથી મુક્તિ આપવાના હુકમને હાઈકોર્ટે ફગાવ્યો છે, ચાર અઠવાડિયામાં સરેન્ડર કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે.

મળતી માહિતી મુજબ, રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં એક મહિનામાં જ હાજર થવા હાઈકોર્ટે હુકમ કર્યો છે. પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદમાંથી મુક્તિ આપવાના જેલ અધીક્ષક ટી.એસ. બિસ્તના હુકમને ફગાવી દેવામાં આવ્યો છે અને અનિરુદ્ધસિંહને સરેન્ડર કરવા આદેશ કરાયો છે. અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ જાડેજાને હાલ પોલીસ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ શોધી રહી છે.

પોપટભાઈના પૌત્રએ હાઈકોર્ટમાં અરજી કરી હતી

પોપટભાઇ સોરઠિયાના પૌત્ર હરેશ સોરઠીયા દ્વારા આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાને જેલમાંથી સજા પહેલાં વહેલા મુકત કરી દેવાના સરકારના વિવાદિત નિર્ણયને હાઇકોર્ટમાં અરજી કરી પડકાર્યો હતો. જેમાં એવા મુદ્દા ઉઠાવાયા કે, વર્ષ 2018ના રોજ તત્કાલીન જેલોના ADGP ટી.એસ.બિષ્ટ દ્વારા જૂનાગઢ જેલ ઓથોરીટીને પત્ર લખાયો હતો અને તેના આધારે જાડેજાને સજા માફી આપી દેવાઇ હતી. જેની પાછળ એવું કારણ અપાયુ હતું કે, જાડેજાએ 18 વર્ષનો જેલવાસ ભોગવ્યો છે.

શું હતી ઘટના?

અનિરુદ્ધસિંહ જાડેજાએ માત્ર 22 વર્ષની ઉંમરે 15મી ઓગસ્ટ, 1988ની સવારે ગોંડલની સંગ્રામજી હાઇસ્કૂલમાં ધ્વજ વંદન કાર્યક્રમ દરમિયાન તત્કાલિન ધારાસભ્ય પોપટભાઈ લાખાભાઈ સોરઠિયાની ગોળી મારી હત્યા કરી દીધી. આ હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારબાદ જેલ અધિક્ષકે આજીવન કેદની સજા માફી આપતા તે મુક્ત થયા હતા.

આ સમાચારને શેર કરો