ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં હેલમેટ ફરજિયાત, બાઈક સવાર બંને માટે DGPનું ફરમાન
ગુજરાતની તમામ યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સલરને દ્વી ચક્રીય વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટને લઈ DGP ફરમાન કર્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ”રાજયમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ/કોલેજોમાં અંદાજીત 16.4 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓ અવર-જવર માટે મોટા ભાગે દ્વિ-ચકી વાહનોનો ઉપયોગ કરે છે. રાજયમાં વર્ષ 2023 દરમિયાન માર્ગ પર અકસ્માત થવાના કારણે કુલ 7,854 લોકો મૃત્યુ થયા હતા. જેમાં 2,767 (35%) લોકોના મૃત્યુ હેલ્મેટ ન પહેરવાને કારણે થયા હતા. આ ઉપરાંત કુલ જીવ ગુમાવનારમાંથી 2,082 (26.50%) વ્યકિત 26 વર્ષની નીચેની વયના છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. આ વયજુથમાં મુખ્યત્વે શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ હોય છે”
વાંચો પત્ર…

‘પાછળ બેસનાર વ્યકિતએ હેલ્મેટ પહેરવું ફરજીયાત’
વધુમાં આ પત્રમાં જણાવ્યું છે કે, ”માર્ગ સુરક્ષા આજના સમયમાં અત્યંત મહત્વપૂર્ણ મુદ્દો છે. હેલ્મેટ પહેરવું એ એક સરળ પરંતુ અત્યંત અસરકારક પગલુ છે. હેલ્મેટનો ઉપયોગ કરવાથી માથાના ભાગે ઘાતક ઇજાના જોખમને ઘટાડી શકાય છે. જે ગંભીર ઇજાઓને રોકી શકવામાં મદદરૂપ થાય છે અને જીવ બચાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. મોટર વાહન અધિનિયમ 1988ની કલમ 129 મુજબ દ્વિ-ચક્રીય વાહન ચાલક તેમજ પાછળ બેસનાર વ્યકિતએ હેલ્મેટ પહેરવું ફરજીયાત છે.
‘અધિકારીઓ કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓને હેલ્મેટ માટે પ્રોત્સાહિત કરે’
DGPએ લખ્યું છે કે,”તાજેતરમાં નામદાર ગુજરાત હાઇકોર્ટે suo-motu રીટ પીટીશન દાખલ કરેલ છે. જે અંતર્ગત નામદાર હાઇકોર્ટ દ્વારા દ્રી-ચકી વાહન ચલાવનાર તેમજ તેની પાછળ બેસનાર વ્યકિતએ ફરજીયાતપણે હેલ્મેટ પહેરવા અંગેની અમલવારી કરવા જણાવ્યું છે. આ ઉપરાંત રાજયની તમામ સરકારી કચેરીઓના પરિસરમાં દ્વિ-ચકી વાહનનો ઉપયોગ કરતા અધિકારીઓ/કર્મચારીઓ/સ્ટાફ માટે હેલ્મેટ પહેરવા અંગે જરૂરી સૂચના ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે. રાજયની તમામ યુનિવર્સિટીઓ (ખાનગી/સરકારી) પણ પોતાના તમામ અધિકારી/કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરવા પ્રોત્સાહિત કરે તે માટે આપના સહકારની વિનંતી છે”

