ગુજરાતમાં હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહી, નવી સિસ્ટમથી કયા જિલ્લામાં ધોધમાર વરસશે?
અમદાવાદસ્થિત હવામાન કચેરીના બુલેટિન પ્રમાણે સમગ્ર ગુજરાતમાં ચોમાસું હવે સક્રિય છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસું જામ્યું છે.
છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર અને ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદ નોંધાયો છે.જ્યારે બનાસકાંઠા, આણંદ, મોરબી અને દ્વારકામાં અમુક સ્થળે ભારે વરસાદ પડ્યો છે.
ગુજરાત ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથૉરિટી પ્રમાણે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ 21 મિમી વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં સરેરાશ 52 મિમી વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં કચ્છમાં 84 મિમી, ઉત્તર ગુજરાતમાં સરેરાશ 58 મિમી, સૌરાષ્ટ્રમાં 150 મિમી, દક્ષિણ ગુજરાતમાં 133 મિમી વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 12.87 ટકા વરસાદ પડી ગયો છે. જોકે આગામી દિવસોમાં ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી કરાઈ છે.
ગુજરાતમાં વરસાદે સૌરાષ્ટ્રના ભાવનગર અને બોટાદમાં ભુક્કા બોલાવ્યા બાદ હવે દક્ષિણ ગુજરાત તરફ વળ્યો છે. હવામાન વિભાગે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આ વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત દાહોદ, મહિસાગર, ભરૂચ, સુરત અને તાપીમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરી છે. સાથે જ ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરી છે.
આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહ
હવામાન વિભાગ પ્રમાણએ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે. સાથો સાથ આગાહી કરવામાં આવી છે કે 25 જૂન સુધી વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ ચાલુ રહેશે.


