ભારે વરસાદની આગાહી: મોરબી જિલ્લામાં ૨૫મી જુલાઈ, શનિવારે શાળા-કોલેજો બંધ
મોરબી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની કરવામાં આવેલી આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્ર સજાગ બન્યું છે. નાગરિકો અને ખાસ કરીને નાના બાળકો તથા વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સાવચેતીના અગમચેતીના પગલારૂપે આવતીકાલે તારીખ ૨૫ જુલાઈ, શનિવારના રોજ મોરબી જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણય હેઠળ મોરબી જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજો તેમજ તમામ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે.
વાલીઓ અને નાગરિકોને સાવચેત રહેવા અનુરોધ
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબીના તમામ વાલીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકોને હવામાન વિભાગની આગાહી ધ્યાને રાખીને બિનજરૂરી બહાર ન નીકળવા અને જરૂરી સાવચેતી વર્તવા વિનંતી કરાઈ છે. સાથોસાથ, સરકારી તંત્ર દ્વારા સમયસર આપવામાં આવતી સૂચનાઓનું કડકપણે પાલન કરી સહયોગ આપવા માટે પણ ખાસ અપીલ કરવામાં આવી છે.


