Placeholder canvas

મોરબી નગરપાલિકાને કચરાના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવા આરોગ્ય વિભાગની તાકીદ

મોરબી : સામાન્ય રીતે દરેક નગરપાલિકાઓ જુદા-જુદા વિસ્તારમાંથી કચરો એકત્રિત કરીને શહેરથી દૂર નક્કી કરેલી કોઈ ચોક્કસ ડંપિંગ સાઇટ પર ઠાલવતી હોય છે. ઘણી સુધરાઈઓએ કચરાનું વર્ગીકરણ કરી તેમાંથી ખાતર પણ બનાવતી હોય છે અને વધેલા કચરાનો પ્રકૃતિને હાનિ ન પહોંચે એ રીતે નિકાલ કરતી હોય છે,

મોરબી નગરપાલિકા વિવિધ વિસ્તારોમાંથી કચરો એકત્રિત કરીને પહેલા શહેરના જ અમુક ચોક્કસ સ્થાને એકઠો કરે છે. ત્યાર બાદ 24 કલાકમાં એક વાર એ એકઠો થયેલો કચરો ત્યાંથી ઉપાડીને ડંપિંગ સાઇટ પર નાખવા લઇ જાય છે. આથી ગામ આખાનો એ કચરો 24 કલાક સુધી એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રદુષણ ફેલાવતો રહે છે. આ બાબતે આમ આદમી પાર્ટી મોરબી શહેર પ્રમુખ પરેશભાઈ પારિયાએ જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાં કરેલી વારંવારની રજૂઆતને કારણે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ નગરપાલિકા મોરબીના ચીફ ઓફિસરને યોગ્ય કાર્યવાહી કરી તેનો અહેવાલ નિયત સમયમાં રજૂ કરવા લેખિતમાં આદેશ આપ્યો છે.

મોરબી નગરપાલિકાની હદમાં આવતા વિસ્તારોમાંથી પાલિકા દ્વારા કચરો ઉપાડવામાં આવે છે. પણ આ કચરો ઉપાડીને સીધો ડંપિંગ સાઇટ પર લઈ જવાના બદલે શહેરના અમુક ચોક્કસ પોઇન્ટ પર એકત્રિત કરવામાં આવે છે. દિવસ દરમ્યાન એકત્રિત થયેલો આ તમામ ભીનો-સૂકો કચરો જે તે સ્થળે લગભગ 22થી 24 કલાક જેટલો સમય પડ્યો રહે છે. ત્યાર બાદ મોટા વાહનોમાં આ કચરો ભરીને ડંપિંગ સાઇટ પર લઈ જવામાં આવે છે. ત્યાં સુધી ટ્રાફિકથી ધમધમતા રહેતા અને માનવ વસાહતથી નજીકના આવા સ્થળો પર નગરપાલિકા દ્વારા એકઠા કરતા એ કચરાને કારણે ભારે ન્યુસન્સ ફેલાય છે. રખડતા ઢોરો, શ્વાનો એ કચરો ચારે તરફ વિખેરે છે, એ ઉપરાંત હવાથી પણ એ કચરો ઉડતો રહે છે. જેને કારણે જન આરોગ્યની ગંભીર સમસ્યાઓ ઉદભવે છે.

આ બાબતે પરેશભાઈ પારિયાએ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં કરેલી વારંવારની રજૂઆતને કારણે પરિસ્થિતિની ગંભીરતા સમજી આખરે આરોગ્ય વિભાગે નગરપાલિકાના ચીફ ઓફિસરને સત્વરે આ બાબત અંગે પગલાં લઈ કરેલી કાર્યવાહી અંગે નિયત સમય મર્યાદામાં અહેવાલ રજૂ કરવા લેખિત જાણ કરી છે. ત્યારે હવે જોવું રહ્યું કે આરોગ્ય વિષયક આ બાબતનું કેટલા દિવસમાં નિરાકરણ આવે છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/E8dgReCMZEvFSbLkqxZbHJ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો