વાતાવરણમાં પલટો: દ્વારકા અને કચ્છનાં અનેક વિસ્તારોમાં માવઠું…

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આજે રાજ્યનાં કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી હતી. જેની અસરને કારણે દ્વારકા અને કચ્છનાં અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. જ્યારે અમદાવાદ સહિત અનેક શહેરોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના કારણે ઠંડા પવનો પણ શરૂ થઇ ગયા છે.

હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે લો-પ્રેશરની સ્થિતિ સર્જાતાં પાંચ માર્ચે એટલે આજે રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. આજે ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર અને કચ્છ વિસ્તારમાં હળવાં વરસાદી ઝાપટાં પડી શકે છે.

મહત્વનું છે કે, ગઇકાલે ડાંગના ગિરિમથક સાપુતારાના હવામાનમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ પણ સાપુતારામાં જોવા મળી રહ્યો છે. ઠંડા પવનના કારણે વહેલી સવારથી સાપુતારા ઠંડુંગાર બન્યું. આહલાદક વાતાવરણના કારણે સાપુતારાની મુલાકાતે આવતા પ્રવાસીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો હતો. જ્યારે અમદાવાદમાં પણ ગઇકાલે સાંજથી ઠંડા પવનો શરૂ થઇ ગયા હતા. આજે પણ સવારથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

હવામાન વિભાગની આગાહીથી રાજ્યના ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. જો માવઠું વધારે પ્રમાણમાં થશે તો રવિ પાકને પારવાર નુકશાન થઈ શકે છે. રવિ પાક ઉપરાંત કેરીમાં પણ નુકશાની થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. લાંબુ ચોમાસું અને કમોસમી વરસાદના કારણે અગાઉથી જ ખેડૂતોની સ્થિતિ ખરાબ હતી આમ ફરીથી જો કમોસમી વરસાદ પડે તો ખેડૂતોને રોવાનો વારો આવે તેવી વકી છે.

આ સમાચારને શેર કરો