મોરબી

મોરબીમાં ટ્રક વેચાણના સોદામાં ૨૧.૩૭ લાખની છેતરપિંડી: છરી બતાવી ટ્રક પડાવી લીધો

મોરબી: મોરબીના રફાળેશ્વર વિસ્તારમાં રહેતા એક યુવાન સાથે ટ્રક ખરીદીના વ્યવહારમાં વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપીએ વેચાણ કરારથી ટ્રક આપ્યા બાદ, ૨૧ લાખથી વધુની રકમ મેળવી હોવા છતાં છરીની અણીએ ટ્રક પાછો પડાવી લેતા મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મૂળ સુરેન્દ્રનગરના એંજાર ગામના અને હાલ રફાળેશ્વર ખાતે રહેતા ઘનશ્યામભાઈ દેવાભાઈ જરવલિયા (૩૯) એ વાંકાનેરના ચંદ્રપુર ગામના ઇરફાનભાઇ ઈસ્માઈલભાઈ સમા સામે ફરિયાદ નોંધાવી છે. ઘનશ્યામભાઈએ આરોપી ઇરફાન પાસેથી ટ્રક નંબર GJ-14-X-8977 વેચાણ કરારથી ખરીદ્યો હતો. આ સોદા પેટે તેમણે શરૂઆતમાં રૂ. ૪.૮૯ લાખ આપ્યા હતા અને ત્યારબાદ ટ્રકનો કબજો મેળવી નિયમિત હપ્તા ભરતા હતા.

છરી બતાવી ચાવી જુઠવી લીધી
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, જ્યારે ટ્રક ઘનશ્યામભાઈના કબજામાં હતો અને તેઓ હપ્તા ભરી રહ્યા હતા, ત્યારે આરોપી ઇરફાન ફરિયાદીના ઘરે ધસી આવ્યો હતો. આરોપીએ ફરિયાદી અને ત્યાં હાજર સાહેદોને છરી બતાવી ડરાવ્યા હતા અને બળજબરીપૂર્વક ટ્રકની ચાવી પડાવી લીધી હતી. એટલું જ નહીં, યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી ટ્રક લઈ ફરાર થઈ ગયો હતો.

૨૧ લાખથી વધુની રકમ ભરી છતાં ટ્રક ગુમાવ્યો
ભોગ બનનાર યુવાને અત્યાર સુધીમાં ડાઉન પેમેન્ટ અને હપ્તા સહિત કુલ રૂ. ૨૧,૩૭,૫૦૦ ની માતબર રકમ ભરી દીધી છે. આમ છતાં, આરોપીએ ટ્રક કે ભરેલા રૂપિયા પરત ન આપી વિશ્વાસઘાત કર્યો છે. મોરબી તાલુકા પોલીસે આ મામલે છેતરપિંડી, લૂંટ અને ધમકી આપવા બદલ ગુનો નોંધી આરોપી ઇરફાન સમાને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચારને શેર કરો