જેનો ડર હતો તે જ થયું: સી.આર.પાટીલ સાથે સૌરાષ્ટ્ર યાત્રામાં જોડાયેલ સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીને કોરોના પોઝીટીવ

સુરતના ભાજપનાં ધારાસભ્ય હર્ષ સંઘવીને કોરોના પોઝીટીવ આવ્યો છે ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે ભાજપ સામે આકરા પ્રહારો કરીને જણાવ્યું છે કે ભાજપનાં નવનિયુકત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની રાજકોટ-સૌરાષ્ટ્ર યાત્રામાં સાથે રહેલા આ ધારાસભ્ય કેટલાને ચેપ લગાડી ગયા હશે? નિયમો-કાયદાને ખિસ્સામાં રાખતા ભાજપની રેલી-રાસ ગરબાનું કૃત્ય નિર્દોષ પ્રજાને ભારે પડી જવાનો ખતરો સર્જાયો છે.

શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે કહ્યું કે કોરોના પોઝીટીવ જાહેર થયેલા સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સૌરાષ્ટ્ર યાત્રામાં સામેલ હતા. રાજકોટ પણ આવ્યા હતા. બાઈક રેલીથી માંડીને રાસગરબા સહિતના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. હવે તેમને કોરોના થયો છે અને સંપર્કમાં આવેલા લોકોને કવોરન્ટાઈન થવા કહ્યું છે.

રેલી સહિતનાં કાર્યક્રમો દરમ્યાન દેખીતી રીતે રાજકોટ-સૌરાષ્ટ્રના અનેક લોકોનાં નજીકના સંપર્કમાં આવ્યા હતા. ખૂદ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તથા ગોરધન ઝડફીયા જેવા નેતાઓની સાથે પણ રહ્યા હતા. જયારે આ તમામને તંત્ર કવોરન્ટાઈન કરશે? હાલમાં સારા-માઠા પ્રસંગોમાં હાજરી માટે મર્યાદા છે. છતાં ભાજપને કોઈ કાયદો લાગુ પડતો ન હોય તેમ પાટીલ યાત્રા દરમ્યાન રેલી કાઢવા ઉપરાંત આગતા-સ્વાગતા માટે રાસડા યોજીને મેળાવડા કર્યા હતા. ભિક્ષુકને માસ્ક નહીં પહેરવા બદલ દંડ ફટકારતા કે ટોળે વળીને બેસતા મિત્રો સામે ગુન્હો નોંધતી પોલીસ ભાજપ સામે નત મસ્તક બની ગઈ હતી. કોંગ્રેસે અનેક રજુઆતો કરવા છતાં સરકારના પેટનું પાણી હલતુ નથી. કોંગ્રેસ પ્રમુખે એવો ગર્ભિત ખતરો દર્શાવતા જણાવ્યું હતું કે ભાજપના આ કૃત્યએ રાજકોટમાં અનેક નિર્દોષ લોકોને જોખમમાં મૂકી દીધાનો ઈન્કાર થઈ શકે તેમ નથી.

ભાજપ સરકારનાં ઈશારે કોરોનાનાં દર્દીઓના નામો પણ જાહેર કરતું નથી. એટલે ધારાસભ્યનો ચેપ કોને લાગ્યો હશે તેની માહિતી પણ બહાર આવવાનું મુશ્કેલ છે. ખૂદ ધારાસભ્ય હર્ષ સંઘવીએ પોતાની સાથે સંપર્કમાં આવેલા તમામને કવોરન્ટાઈન થવા કહ્યું છે. કેટલા કવોરન્ટાઈન થશે અને તેમાંથી કેટલા સંક્રમિત થશે? તેની વિગતો જાહેર કરવા તેઓએ પડકાર ફેંકયો હતો.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EyvfHWu7GKSIF6rKbPS4LN

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •