હળવદમાં વ્યાજખોરીનો સનસનીખેજ કિસ્સો: ₹૧૫.૩૦ લાખ આપી યુવાનના કોરા ચેક પડાવી લીધા, પાંચ વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ

ધંધામાં ખોટ ગઈ, વ્યાજખોરોએ ઘર છોડાવ્યું:

​હળવદ: હળવદ તાલુકામાં વ્યાજખોરોનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો હોવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. ચરાડવા ગામના એક યુવાને ધંધામાં થયેલી ખોટને કારણે પાંચ અલગ-અલગ વ્યાજખોરો પાસેથી ઊંચા વ્યાજે ₹૧૫.૩૦ લાખની રકમ લીધી હતી. જોકે, આ પાંચેય વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરીને યુવાનના બેંકના કોરા ચેક પડાવી લીધા હતા અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું, જેના પગલે યુવાન ઘર છોડવા મજબૂર બન્યો હતો.
​પ્રાપ્ત વિગતો મુજબ, હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા કાળુભાઈ ઉર્ફે નાગજીભાઈ રૈયાભાઈ ગમારા (ઉ.૨૫) નામના યુવકને ધંધામાં ખોટ જતાં આર્થિક જરૂરિયાત ઊભી થઈ હતી. આશરે એક વર્ષ પૂર્વે તેમણે ચરાડવાના જ રહેવાસી પાંચ આરોપીઓ — ભુપેન્દ્રસિંહ ઝાલા, જયરાજ રાજેશભાઈ પઢીયાર, ધરમભારથી ભરતભારથી, પ્રતીક મહેશભાઈ ગૌસ્વામી, અને દિપક જગદીશભાઈ બાવાજી પાસેથી કુલ ₹૧૫.૩૦ લાખની રકમ ઊંચા વ્યાજે લીધી હતી.

​ચેક પડાવી ઘર છોડવા મજબૂર કર્યા
​વ્યાજની રકમ અને મુદ્દલની ઉઘરાણી માટે આ પાંચેય વ્યાજખોરોએ યુવાનને સતત ધાક-ધમકી આપી માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તેમણે બળજબરીથી યુવાનના બેંકના કોરા ચેક પણ પડાવી લીધા હતા. વ્યાજખોરો દ્વારા અપાતા સતત ત્રાસ અને ધમકીઓથી કંટાળીને કાળુભાઈ ઉર્ફે નાગજીભાઈએ પોતાનું ઘર છોડી દીધું હતું.

​ઘર છોડી દીધું હોવા છતાં, આરોપીઓ દ્વારા ત્રાસ આપવાનું ચાલુ રહેતા અંતે પીડિત યુવાને હિંમત કરીને તમામ પાંચેય વ્યાજખોરો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગંભીરતાથી નોંધ લઇ નાણાં ધીરધાર અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો