હળવદ હાઇવે પર લોખંડ ચોરીનું કૌભાંડ પકડાયું: ₹૯૧,૭૫૦ની કિંમતનું ૧,૮૩૫ કિલો લોખંડ કબજે…
હળવદ: અમદાવાદ-માળીયા હાઇવે પર લાંબા સમયથી ચાલી રહેલા લોખંડ ચોરીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. હળવદ પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી તાલુકાના કવાડિયા ગામની સીમમાંથી બિનવારસુ હાલતમાં રહેલો રૂ. ૯૧,૭૫૦ની કિંમતનો ૧,૮૩૫ કિલોગ્રામ લોખંડનો જથ્થો કબજે કર્યો છે.
બાતમીના આધારે દરોડો
હળવદ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, કવાડિયા ગામની સીમમાં ટ્રકમાંથી લોખંડ ઉતારીને ચોરીનું કારસ્તાન ચાલી રહ્યું છે. આ બાતમીને આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો.
પોલીસે સીમમાંથી તપાસ કરતા રૂ. ૯૧,૭૫૦ની અંદાજિત કિંમતનો ૧,૮૩૫ કિલોગ્રામ લોખંડનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેને પોલીસે કબજે કર્યો હતો.
ધ્રાંગધ્રાના શખ્સનું નામ ખુલ્યું
લોખંડનો આ જથ્થો કોણે ઉતાર્યો અને આ કૌભાંડ પાછળ કોનો હાથ છે, તેની તપાસ દરમિયાન શકદાર તરીકે ધ્રાંગધ્રાના ચુલી ગામના સતીષ દેવાભાઈ ભરવાડનું નામ ખુલ્યું છે.
હળવદ પોલીસે સતીષ દેવાભાઈ ભરવાડ વિરુદ્ધ ગુનો નોંધીને આ લોખંડ ક્યાંથી ચોરાયું હતું અને આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે, તે અંગેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
