હળવદ નગરપાલિકામાં ભડકો: પાણીના પ્રશ્ને સેનિટેશન ચેરમેને કર્મચારીને સ્ટીલની લાકડી ફટકારી
ઓફિસમાં ઘૂસીને કર્મચારીના બંને કાંડા ભાંગી નાખ્યા; ચેરમેન ભરત રબારી સામે ગુનો નોંધાતા ચકચાર
હળવદ નગરપાલિકામાં સત્તાના નશામાં ચૂર પદાધિકારી દ્વારા કર્મચારી પર જીવલેણ હુમલો કરાયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાલિકાના પાણી પુરવઠા વિભાગની ઓફિસમાં બેઠેલા કર્મચારીને સેનિટેશન વિભાગના ચેરમેને પાણી પહોંચાડવા જેવી નજીવી બાબતે પહેલા ફોન પર બેફામ ગાળો ભાંડી હતી અને ત્યારબાદ ઓફિસે આવી સ્ટીલની લાકડી વડે બેરહેમીથી માર માર્યો હતો. આ ચકચારી ઘટના અંગે હળવદ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પહેલા ફોન પર ગાળો દીધી, પછી ઓફિસે આવી તૂટી પડ્યા
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, હળવદની રુદ્ર ટાઉનશીપમાં રહેતા અને નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા તુષારદાન મનહરદાન ગઢવી (ઉં.વ. ૩૩) ગઈકાલે સવારે ૧૧:૦૦ વાગ્યાના અરસામાં પોતાની ઓફિસમાં હાજર હતા. આ દરમિયાન હળવદ નગરપાલિકાના સેનિટેશન વિભાગના ચેરમેન ભરતભાઈ નાનુભાઈ રબારીએ તેમને ફોન કર્યો હતો. પાણી પહોંચાડવા બાબતે ઉગ્ર બનેલા ચેરમેને ફોન પર જ તુષારદાનને ગાળો આપવાનું શરૂ કરી દીધું હતું.
વાત આટલેથી ન અટકતા, ચેરમેન ભરત રબારી ઓફિસે ધસી આવ્યા હતા અને પોતાની સાથે લાવેલી સ્ટીલની લાકડી વડે કર્મચારી તુષારદાન પર તૂટી પડ્યા હતા. તેમણે તુષારદાનના બંને હાથના કાંડાના ભાગે આડેધડ લાકડીના ફટકા મારતા કર્મચારી લોહીલુહાણ થઈ ગયા હતા અને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા
હુમલાના પગલે ઓફિસના અન્ય સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. ઇજાગ્રસ્ત યુવાન તુષારદાનને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ભોગ બનનાર કર્મચારીએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સેનિટેશન ચેરમેન ભરતભાઈ નાનુભાઈ રબારી વિરૂદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા આરોપી ચેરમેનને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. પાલિકાના જ પદાધિકારી દ્વારા કર્મચારી પર કરાયેલા આ હુમલાને પગલે સ્થાનિક રાજકારણમાં અને પાલિકાના કર્મચારી આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


