હળવદ

હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા ફરી સોશિયલ મીડિયામાં થયા ટ્રોલ…

‘વિકાસના કામો’ને લઈને લોકોએ ધારાસભ્યનો લીધો ઉઘડો, ગ્રાન્ટ ન મળતાં આક્રોશ

હળવદ: હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા ફરી એકવાર સોશિયલ મીડિયા પર લોકોના રોષનો ભોગ બન્યા છે. ધારાસભ્યએ રોડ ખાતમુહૂર્તના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં જ સ્થાનિકોએ વિકાસના કામો અને વણઉકેલાયેલા પ્રશ્નોને લઈને ધારાસભ્યનો ઉઘડો લીધો હતો, જેના પગલે સોશિયલ મીડિયા પર પ્રશ્નોનો અને આક્ષેપોનો વરસાદ થયો હતો.
નવા ઇસનપુરમાં ગ્રાન્ટ નહીં મળતાં લોકોમાં ભારે રોષ

પ્રાપ્ત વિગતો મુજબ, ધારાસભ્ય પ્રકાશ વરમોરાની સોશિયલ મીડિયા પોસ્ટ પર લોકોએ સૌથી મોટો આક્રોશ નવા ઇસનપુર ગામને ગ્રાન્ટ ન ફાળવવાનો વ્યક્ત કર્યો છે. નવા ઇસનપુર ગ્રામ પંચાયત સમરસ થતાં ધારાસભ્ય અને સાંસદે ₹5 લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી, જે આજદિન સુધી ન મળતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે ધારાસભ્ય માત્ર સોશિયલ મીડિયામાં જ કાર્યરત રહે છે અને જમીની સ્તરના વિકાસના કામોમાં બેદરકારી દાખવે છે.

ખેડૂતોના પ્રશ્નો અને કૌભાંડના આક્ષેપોનો મારો

વિકાસના કામો ઉપરાંત, ખેડૂતો અને સ્થાનિકોએ અન્ય ગંભીર મુદ્દાઓ પર પણ ધારાસભ્યને ઘેર્યા હતા:
ખેતી પાકના પોષણક્ષમ ભાવો: ખેડૂતોએ તેમની જણસોના પોષણક્ષમ બજારભાવ ન મળવા અંગે સવાલો કર્યા હતા.
ગેરકાયદેસર કબ્જાના આક્ષેપો: કેટલાક લોકોએ દાનમાં આવેલી જમીનો પણ લઈ લેવાના ગંભીર આક્ષેપો સાથેની કોમેન્ટ્સ કરી હતી.
અધૂરા કામો: ધ્રાંગધ્રા તાલુકામાં ₹70 કરોડના કૌભાંડ મુદ્દે અને કેનાલના અધૂરા કામોને લઈને પણ લોકોએ પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો.
નોંધનીય છે કે આ પહેલીવાર નથી. 13 ઓક્ટોબરના રોજ પણ ધારાસભ્ય વરમોરાએ ‘મતવિસ્તારના લોકપ્રશ્નો સાંભળ્યા’ની પોસ્ટ મૂકતાં લોકોએ તેમના સોશિયલ મીડિયા પેજ પર રજૂઆતની કોમેન્ટ્સ કરીને તેમનો બળાપો કાઢ્યો હતો અને ખેડૂતોના પડતર પ્રશ્નોના નિકાલની માગ કરી હતી.
ધારાસભ્યની રોડના ખાતમુહૂર્તની પોસ્ટ પર થયેલા કોમેન્ટ્સના વણઝારને કારણે, ફરી એકવાર સત્તાધારી પક્ષના ધારાસભ્યની કાર્યશૈલી અને લોકોના પ્રશ્નો પ્રત્યેની સંવેદનશીલતા પર સવાલો ઊભા થયા છે.

આ સમાચારને શેર કરો