ગુજરાતમાં માર્ગોનો વિકાસ ખાડે ગયો: અકસ્માતોની હારમાળા…

‘ખુશ્બુ ગુજરાત કી’ ની જેમ હવે નવું કેમ્પેઈન ‘ખાડા ગુજરાતના’ થઈ રહ્યા છે વાઈરલ : શહેર હોય કે ગામડા, હાઈ-વે હોય કે મુખ્ય માર્ગ કે પછી શેરી-ગલીઓ તમામ જગ્યાએ ખાડા જ ખાડા…

સમગ્ર ગુજરાત-સૌરાષ્ટ્રમાં હળવા ભારે વરસાદમાં માર્ગો ધોવાઈ જતા મસમોટા ગાબડા પડતા રોજિંદા અકસ્માતોના બનાવ સાથે વાહનોને નુકસાન લોકોને પરેશાનીનો પાર નથી તો બીજી તરફ સરકાર અને કોર્પોરેશન તંત્ર દ્વારા ખાડે ગયેલા માર્ગોની મરામતમાં કોઇ કાર્યવાહી હાથ નહીં ધરતા જનતામાં રોષ ફેલાયો છે. વિકાસની ગુલબાંગો ફુંકતી રાજ્ય સરકારને માર્ગના ગાબડા દૂર કરવામાં ખાડે ગઇ હોવાનો જનતા વસવસો વ્યક્ત કર્યો છે.

અમદાવાદ મહાનગરમાં આજે એએમટીસીએસની સીટી બસ નં. 501 ઉજાલા સર્કલથી વૈષ્ણોદેવી જતી હતી ત્યારે વૈષ્ણોદેવી સર્કલ પાસે બસની બ્રેક ફેઇલ થતા બસ મોટા ખાડામાં ખાબકી હતી. મુસાફરોની ચીસાચીસથી પોલીસ દોડી આવી હતી. અને મુસાફરોને તાત્કાલીક બહાર કાઢ્યા હતા. અકસ્માતમાં બસમાં બેઠેલા 4 મુસાફરોને ઇજા થવાપામી હતી. વૈષ્ણોદેવી સર્કલ પાસે લાંબા સમયથી બ્રીજનું કામ શરુ છે. આ સ્થળે મોટાપાયે ખોદકામ થતું હોય આ ખોદકામના ખાડામાં સીટી બસ ખાબકતા અકસ્માત સર્જાયો હતો.તો બીજી તરફ સુરત મહાનગરમાં ત્રણ મસમોટા માર્ગના ગાબડાના કારણે ટેમ્પોનો અકસ્માત સર્જાયો હતો.

રાજકોટ મહાનગરમાં કોઠારીયા રોડ, પેલેસ રોડ, ધર્મેન્દ્ર રોડ, કરણપરા મેઇન રોડ, ભગવતીપરા મેઇન રોડ, કાલાવડ રોડ, કેકેવી, ગુંદાવાડી મેઇન રોડ, બેડીપરા ચોકડી, ગોંડલ રોડ સહિતના અનેક માર્ગોમાં ગાબડા પડતા અને આ ગાબડામાં ગંદા પાણી ભરાતા વાહનચાલકો ખાડામાં ખાબકી રહ્યા છે. ત્યારે સરકાર અને કોર્પોરેશન તંત્ર માર્ગના તદન નબળા કામ કરનાર કોન્ટ્રાક્ટર એજન્સી સામે પગલા લેવાના બદલે અદબ વાળી લેતા જનતા માર્ગના ખાડાઓથી પરેશાની ભોગવી રહી છે. ગાબડાઓનું સમારકામ કરવા લોકોમાંથી માંગણી ઉઠી રહી છે.

વાંકાનેરમાં પણ રસ્તાઓના હાલ-હવાલ ખરાબ છે સેવાસદન થી અમરસર ફાટક સુધી બનેલા કરોડ રૂપિયાના ખર્ચે રસ્તા માં ઠેરઠેર પાણી ભરાયા છે અને વાંકાનેર નેશનલ હાઈવે નો સર્વિસ રોડ પાણીમાં ગરક થઈ જાય છે, તો ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ માં પણ ગાબડાં પડી ગયા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EyvfHWu7GKSIF6rKbPS4LN

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો